રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે કાર અકસ્માતમાં ભાવનગરના મામા-ભાણેજના મોત

બિઝનેસના કામ માટે હરિયાણાના પાણીપત ખાતે ગયેલા ભાવનગરના યુવક તેના મામા સાથે ગત ગુરૂૂવારે ભાવનગર ખાતે પોતાની દિકરીને મળવા માટે કારમાં આવી રહ્યાં હતા ત્યારે…

બિઝનેસના કામ માટે હરિયાણાના પાણીપત ખાતે ગયેલા ભાવનગરના યુવક તેના મામા સાથે ગત ગુરૂૂવારે ભાવનગર ખાતે પોતાની દિકરીને મળવા માટે કારમાં આવી રહ્યાં હતા ત્યારે દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ-વે પર રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે ગત ગુરૂૂવારે મોડી રાતે તેમને અકસ્માત નડયો હતો. જેમાં મામા-ભાણેજનું કરૂૂણ મોત નિપજ્યું હતું. ઘટના બાદ સ્થાનિક પોલીસે બન્નેના મૃતદેહનું પીએમ કરાવી તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા તેજસભાઈ મહેશભાઈ સોલંકી (ઉ.વ.32) બિઝનેસના કામ માટે છેલ્લા આશરે 15 દિવસથી હરિયાણાના પાણીપત ખાતે ગયેલા હતા. લાંબા સમયથી ઘરે નહોતા આવ્યા તેથી તેમની બે વર્ષની દિકરીને મળવા માટે ગત ગુરૂૂવારે તેમના મામા કમલભાઈ મનુભાઈ ગોહેલ (ઉ.વ.આશરે 50, રહે.વડોદરા) સાથે તેમની કારમાં ભાવનગર આવી રહ્યાં હતા. આ દરમિયાન ગુરૂૂવારે મોડી રાત્રિના દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ-વે પર રાજસ્થાનના સવાઈ માધોપુર નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા કમલભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેજસભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું.

બનાવના પગલે સ્થાનિક પોલીસે બન્નેના મૃતદેહનું પીએમ કરાવી ભાવનગર ખાતે રહેતા મૃતકના પરિવારજનોને જાણ કરતા તેજસભાઈના પરિવારજનો તેમનો મૃતદેહ લેવા માટે રવાના થયા હતા અને આવતીકાલે સવારે તેજસભાઈનો મૃતદેહ ભાવનગર લાવવામાં આવશે જ્યારે કમલભાઈનો મૃતદેહ વડોદરા લઈ જવામાં આવશે તેમ મૃતક તેજસભાઈના મામાના દિકરા લાલાભાઈએ જણાવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે તેજસભાઈને સંતાનમાં દિકરીઓ છે જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવને પગલે તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ફ્લાઈટ કેન્સલ થતાં કારમાં આવવાનું નક્કી કર્યું હતું
મૃતક તેજસભાઈ બિઝનેસના કામથી ઘણાં દિવસોથી બહાર હોય દિકરીઓને મળવા માટે તેઓ ભાવનગર આવવા માટે પહેલા દિલ્લીથી ફ્લાઈટમાં આવવાના હતા. પરંતુ ફ્લાઈટ કેન્સલ થતી હોવાથી તેઓ તેમના મામા સાથે કારમાં ભાવનગર આવવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાવનગર પહોંચે તે પહેલા રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *