ભરૂૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જુમ્મા (જામા) મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો પુરાતત્વ વિભાગે ખોલતા જ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે. જૈન સંગઠનોનો દાવો છે કે અંદાજે 700 વર્ષથી બંધ આ ભોંયરામાંથી 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને અન્ય જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવી છે. છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલો આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના વિરોધ અને સમર્થનમાં આગામી 15 જૂનના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં જૈન ભક્તો, હિન્દુ સંગઠનો અને સંતો-મહંતો ભરૂૂચમાં એકઠા થશે અને રેલી સ્વરૂપે કલેકટરને આવેદન પાઠવશે.
તાજેતરમાં પુરાતત્વ વિભાગ દ્વારા સફાઈ કામગીરી માટે મસ્જિદના વર્ષોથી બંધ ભોંયતળિયાનો દરવાજો ખોલવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવો વળાંક આવ્યો છે. જૈન અગ્રણીઓના દાવા મુજબ, આ ભોંયરામાંથી ભગવાન મલ્લિનાથ અને અન્ય દેવી-દેવતાઓની પ્રાચીન પ્રતિમાઓ તથા અવશેષો મળી આવ્યા છે.
બીજી તરફ, મસ્જિદના મૌલાનાએ જણાવ્યું છે કે, આ સરકારી ગેજેટ અને વકફ બોર્ડના રેકોર્ડ પર નોંધાયેલી સત્તાવાર મસ્જિદ છે. ટ્રસ્ટીઓની જાણ બહાર ભોંયરું ખોલીને ખોટો વિવાદ ઊભો કરાતો હોવાથી મુસ્લિમ પક્ષે ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
આ વિવાદની શરૂૂઆત ત્યારે થઈ જ્યારે ચક્રધર સ્વામીના અનુયાયી સુદર્શન નાગરાજ બાબા અને શંકરાચાર્ય મઠના વ્યવસ્થાપક મુક્તાનંદ સ્વામી સહિતના સંતોએ આ સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને મસ્જિદના મુખ્ય પ્રવેશદ્વારની ઉપર ભગવાન મહાવીર સ્વામી અને નીચે ચક્રધર સ્વામીની પ્રતિમાઓ હોવાનું દ્રશ્યમાન થયું હોવાનો દાવો કરાયો છે. મસ્જિદના પિલ્લરો અને દીવાલો પરની કલાત્મક કોતરણી પણ ભારતીય સંસ્કૃતિ અને જૈન મંદિરોની સ્થાપત્ય શૈલીને સમાન હોવાનું કહેવાય છે.
