ભાગવત અમારું પ્રતિનિધિત્વ નથી કરતા: હિંદુસ ફોર હ્યુમન રાઇટ્સ સહિત 61 સંગઠનોનો વિરોધ

અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આયોજિત ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ (સાર્વભૌમિક એકતા મહોત્સવ) સામે મોટો વિવાદ ઊભો થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક…

અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આયોજિત ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ (સાર્વભૌમિક એકતા મહોત્સવ) સામે મોટો વિવાદ ઊભો થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના આ મુખ્ય કાર્યક્રમ સામે અમેરિકા સ્થિત અનેક ભારતીય અને હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે.

આ વિવાદમાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે ‘હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ’ નામના સંગઠનના નિયામક સુનિતા વિશ્વનાથે જાહેરાત કરી કે કુલ 61 જેટલા આંતર-ધાર્મિક (ઇન્ટરફેથ) અને બિન-સાંપ્રદાયિક સંગઠનોએ આ કાર્યક્રમના વિરોધમાં એક ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સંઘ અને તેની ‘હિન્દુત્વ’ની વિચારધારા તમામ હિન્દુઓ કે ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતી નથી. આ સંગઠનોના પ્રતિનિધિઓ અને સમર્થકો કાર્યક્રમના સ્થળે વિરોધ પ્રદર્શન કરીને આ સંદેશ આપવાની તૈયારી કરી રહ્યા છે.

આ અગાઉ, ‘હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ’, ‘ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ’ અને ‘ઇન્ટરફેથ સેન્ટર ઓફ ન્યૂ યોર્ક’ જેવા અગ્રણી સંગઠનોએ ન્યૂ યોર્ક સિટી હોલની બહાર એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદમાં તેમણે સ્થાનિક પ્રશાસન અને આયોજકોને આ કાર્યક્રમ તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી.
દરમિયાન, વડા મોહન ભાગવતે તેમના ચાલુ યુએસ પ્રવાસ દરમિયાન ન્યૂ યોર્કમાં ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બેઘર લોકો માટે ખાદ્ય વિતરણ પહેલમાં ભાગ લીધો હતો અને સંઘર્ષો અને વિભાજનને દૂર કરવામાં કૃષ્ણ ભાવનાની ભૂમિકા વિશે વાત કરી હતી.

ભાગવતે 26 સેક્ધડ એવન્યુ ખાતે મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં 1966 માં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઇસ્કોન) ની શરૂૂઆત થઈ હતી. મંદિરમાં ભક્તોને સંબોધતા, ભાગવતે સંઘર્ષો અને મતભેદો છતાં લોકોને એકસાથે લાવવામાં ચેતનાના મહત્વ વિશે વાત કરી.

“આજના વિશ્વમાં, ઘણા બધા સંઘર્ષો છે, ઘણા બધા દ્વૈત છે. એકમાત્ર વસ્તુ જે એક કરે છે તે ચેતના છે. તે ચેતના કૃષ્ણ ભાવનામૃત છે. આપણે એક છીએ અને આપણે આ વિશ્વના આ દ્વૈતમાંથી પસાર થઈ રહ્યા છીએ, એ મજબૂત સમજ સાથે કે ભલે ઘણી બધી વિવિધતાઓ, દ્વૈતતાઓ, સંઘર્ષો છે, ખરેખર તે બધું કૃષ્ણ છે,” ભાગવતે કહ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *