ભાગવત અને રાહુલ: નેતાઓ બોલવામાં વધુ સ્પષ્ટ હોય તો વિવાદ-બખેડો ન થાય

આજકાલ રાહુલ ગાંધી અને આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનો ચર્ચામાં છે. કોંગ્રેસના નવા વડામથકના ઉદઘાટન વખતે વિપક્ષના નેતા એવું બોલ્યા કે આપણે માત્ર ભાજપ-આરએસએસ સામે…

આજકાલ રાહુલ ગાંધી અને આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનો ચર્ચામાં છે. કોંગ્રેસના નવા વડામથકના ઉદઘાટન વખતે વિપક્ષના નેતા એવું બોલ્યા કે આપણે માત્ર ભાજપ-આરએસએસ સામે જ નહીં, ઇન્ડિયન સ્ટેટ (શાસન વ્યવસ્થા) સામે લડી રહ્યા છીએ. બીજીબાજુ મોહન ભાગવતે રામલલ્લાના પ્રતિષ્ઠાપનથી દેશન સાચી આઝાદી મળી એવુન વકતવ્ય આપ્યુ છે. રાહુલ ગાંધીએ તેમના વિચારો બહુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની જરૂર હતી. તેઓ કહી શકયા હોત કે કોંગ્રેસની લડાઇ દેશની બંધારણીય સંસ્થાઓને શાસક પક્ષની ચુંગાલમાંથી મુકત કરવા માટે છે તો આટલો વિવાદ ન થાત.

ઇન્ડીયન સ્ટેટનો અર્થ સૌ પોતપોતાની રીતે કરી રહ્યા છે અને ભાજપે તો રાહુલ ગાંધી દેશદ્રોહ કરી રહ્યા છે તેવું પણ કહ્યું. બીજી બાજુ ભાગવતે પણ બહુ સ્પષ્ટ બનવાની જરૂર હતી. ભારતમાં પહેલાં સ્વતંત્રતા હતી પણ પ્રતિષ્ઠિત નહોતી થઈ. ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો તેથી રાજકીય આઝાદી મળી ગઈ હતી. આપણું ભારતીય બંધારણ ઘડવાનું આપણા હાથમાં આવી ગયું, આપણે એક લેખિત બંધારણ પણ બનાવ્યું. દેશના ’સ્વ’માંથી બહાર આવે એવા ચોક્કસ વિઝન દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગ અનુસાર આ લેખિત બંધારણ બનાવવામાં આવ્યું હતું પણ પછી બંધારણ એ પ્રમાણે ચાલ્યું નહીં તેથી આપણાં બધાં સપનાં સાકાર થઈ ગયાં છે એવું કઈ રીતે માની લઈએ? ભાગવતે બીજી પણ વાતો કરી છે ને એ બધી વાતો માંડવાનો અર્થ નથી પણ આ નિવેદનના કારણે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓને સંઘ અને ભાગવતની ટીકા કરવાની તક મળી ગઈ છે.

ભાગવત જેને સાચી આઝાદી ગણાવે છે તેનો અર્થ શું થાય એ ખબર નથી પણ ભગવાન રામના મંદિરના નિર્માણને આઝાદી સાથે જોડવાની વાત વાહિયાત કહેવાય. અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ હિંદુઓની આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે જ્યારે દેશની આઝાદી લોકોના આત્મા સાથે જોડાયેલો મુદ્દો છે. હિંદુઓને રામમંદિરના નિર્માણ માટેનો અધિકાર આ આઝાદીના કારણે જ મળ્યો અને આ આઝાદીના કારણે રચાયેલી અદાલતે હિંદુઓને રામ જન્મભૂમિ પાછી આપી એ વાત આ દેશના દરેક હિંદુએ યાદ રાખવી જોઈએ. આ દેશનાં લોકોએ એ વાત પણ યાદ રાખવી જોઈએ કે, આ દેશનો દરેક નાગરિક પોતાની મરજી પ્રમાણે રહેવા અને બોલવા મુક્ત છે એ પણ 15 ઓગસ્ટ, 1947ના રોજ મળેલી આઝાદીના કારણે જ શક્ય બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *