ભડલી-ફડલી, ટીટોડીના ઇંડા, હોળીની જાળ પર વરસાદના વરતારાનો ફિયાસ્કો: જાથા

ભારત જન વિજ્ઞાન જાથાની યાદી જણાવે છે કે દેશ-દુનિયાના લોકોએ વિજ્ઞાન ટેકનોલોજી, નેનોની મદદથી અસાધારણ પ્રગતિ કરી છે. તેના આપણે સૌ સાક્ષી છીએ. માનવજાત વિજ્ઞાનની…

ભારત જન વિજ્ઞાન જાથાની યાદી જણાવે છે કે દેશ-દુનિયાના લોકોએ વિજ્ઞાન ટેકનોલોજી, નેનોની મદદથી અસાધારણ પ્રગતિ કરી છે. તેના આપણે સૌ સાક્ષી છીએ. માનવજાત વિજ્ઞાનની મદદ વિના એક સેક્ધડ પણ ચલાવી શકે તેમ નથી. પૃથ્વી ઉપર કોઈપણ બનતી ઘટનાઓ ઉપર વિજ્ઞાન સચોટ દ્રશ્ય-શ્રાવ્ય કારણ રજૂ કરે છે. વિજ્ઞાન અને હવામાન ખાતું વરસાદ સંબંધી સચોટ કારણ આપે છે ત્યારે વરસાદના વરતારાઓ કરનારા પાસે એકપણ કારણ વિજ્ઞાનની કસોટીમાં નીકળે તેવું કારણ આપી શકતા નથી એટલે 21 મી સદીમાં વર્ષા પરિસંવાદો બંધ કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી અપીલ કરે છે. વરસાદના વરતારાનું પ્રથમ ચરણમાં જ કડડભૂસ થયું છે તેથી વર્તાારાની જાહેરમાં હોળી કરી સત્ય હકિકતનું ઉજાગર કરવામાં આવશે. તા. 6 થી 11 જુન વાવણીલાયક વરસાદની આગાહીનું કડડભુસ થયું છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે જુનાગઢમાં વર્ષા પરિસંવાદમાં વરસાદના વરતારાઓનો કરૂૂણ રકાસ થયો છે તેના કારણમાં વરતારા કરનારા પાસે વિજ્ઞાનની કસોટીમાં પાસ થાય તેવા એકપણ ઉપકરણ નથી. આ પરિસંવાદમાં આગાહીકારોએ મે મહિનાના અંતમાં (25 થી 29 મે દરમિયાન) અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાવાને કારણે સાયકલોનિક વન સાથે પ્રિ-મોન્સુન એકિટવિટી શરૂૂ થશે, જેનાથી ગરમીમાં રાહત મળશે. અંદાજે 6 જુનથી 11 જુન વચ્ચે રાજયમાં પ્રથમ વાવણીલાયક વરસાદ થઈ શકે છે. સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 17 જૂનથી 26 જૂન દરમિયાન વાવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. સરેરાશ 48 થી 50 ઈંચ વરસાદ પડી શકે છે. સરેરાશ વરસાદ આશરે 75 ટકા (10 થી 12 આની) એટલે કે મધ્યમ વરસાદ રહેશે. કુલ 14 અવલોકનકારોએ વર્ષ ઘણું સારું અને 27 અવલોકનકારોએ મધ્યમ રહેવાની સંભાવના દર્શાવી છે. તેથી વર્ષા પરિસંવાદો વર્તમાન સમયમાં અપ્રસ્તુત, અતાર્કિક હોય કાયમી બંધ કરવા જોઈએ. પરિસંવાદના આયોજકો, આગાહીકારો પોતાનું જૂનું પુરાણું વળગણ, છિન્ન મનોવૃત્તિ સાથે પછાતપણું, ખોટી પરંપરાને તિલાંજલિ આપી નવાંગતુક સર્જન કરવું જોઈએ.

વર્ષો પૂર્વેના કથન ભડલી-ફડલી, લોકવાયકા, હોળીની જાળ, અખાત્રીજનો પવન, નક્ષત્ર, મેઘમાયા, દનૈયો, ટીટોડીના ઈડા, કાગડાનો પૂર્વ દિશામાં માળો, ઋતુપવન, પ્રાણી-વનસ્પતિના લક્ષણો, જયોતિષ, તાપમાન, છાયો, વિગેરે ઉપરના ફળકથનો ખોટા પડે છે. અવૈજ્ઞાનિક પદ્ધતિઓનું તિક્કડમ કાયમી બંધ કરવું જોઈએ. વર્ષો પહેલાના આદિજ્ઞાન, અનુભવ વરતારાને વળગી રહેવાનો સમય નથી. વરતારા કરનારા પાસે વૈજ્ઞાનિક એકપણ ઉપકરણ, સિદ્ધાંત, પ્રયોગસિદ્ધ સાધનો નથી. વરતારા કાયમી બંધ થઈ જાય તો સમાજ, ખેડૂતને કોઈ નુકશાન થવાનું નથી. પૃથ્વી ઉપર અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું, ભૂકંપ કે અણધારી આફત આવે છે તે કુદરતનાં નિયમો, પ્રાકૃતિક કારણોસર તટસ્થતાપૂર્વકના હોય છે. તેમાં અનેક પરિબળો સમાયેલા છે. વિજ્ઞાન પાસે સચોટ કારણો સાચા-ખોટાના હોય છે. જયારે વરતારા કરનારા પાસે કશું જ નથી.

જાથાના ચેરમેન જયંત પંડયાએ વધુમાં જણાવ્યું કે ભારતમાં વરસાદની જાણકારી માટે અદ્યતન ઉપકરણો, વૈધશાળાઓ, ઉપગ્રહો મારફત નિરીક્ષણ, વિજ્ઞાનના સાધનો, પરિક્ષણ, ક્રિયા-કારણનો સંબંધ, વર્ષોની આંકડાકીય માહિતી, પવનની ગતિ, દરિયાઈ સંબંધી લો-પ્રેસર, કારણો ધ્યાનમાં રાખી વરસાદ, વાવાઝોડા, સંબંધી આગાહી કરી જાણકારી આપવામાં આવે છે. તેમાં પણ ખોટા પડે તો પ્રયોગસિદ્ધ કારણો નજરોનજર ટી.વી. માધ્યમ દ્વારા બતાવી કે જોઈ શકાય તેવા પુરતા કારણો જનસમાજને જણાવે છે.

અંતમાં એડવોક્રેટ પંડયા જણાવે છે કે જુનાગઢમાં યોજાયેલ વર્ષા પરિસંવાદની વરસાદની તારીખો, વરતારાની જાથા ચકાસણી કરે છે. તેમાં પ્રથમ ચરણમાં જુનના વરતારા સંપુર્ણ ખોટા પડયા છે અને આ રીતે ખોટા પડવાનો ક્રમ 25 મા વર્ષમાં ચાલુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરતારા ખોટા પડશે. આગામી તા. 22 થી તા. 30 જુન સુધી રાજયના જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વરતારાનો વિરોધ પ્રદર્શિત કરવા, વર્ષા પરિસંવાદ બંધ કરવા તે સંબંધી સત્યનો ઉજાગર કરવા જાથાના કાર્યકરો ઉપરાંત જાગૃતો સ્થાનિક કક્ષાએ કાર્યક્રમ આપશે. વર્ષા પરિસંવાદના વરસાદના વરતારા બંધ કરવા સંબંધી જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો. 98252 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *