ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમે બજરંગદાસ બાપાના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અઈં જનરેટેડ ફોટા અને વીડિયો અંગે ભક્તોને સાવધાન રહેવા અપીલ કરી છે. મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે કે બાપાના નામે પ્રસારિત થતી બનાવટી અને કાલ્પનિક સામગ્રી ભક્તોને ગેરમાર્ગે દોરી રહી છે, તેથી આવી કોઈપણ સામગ્રી પર વિશ્વાસ ન કરવો.
ટ્રસ્ટના જણાવ્યા મુજબ, બજરંગદાસ બાપાએ પોતાના જીવનકાળમાં ક્યારેય ચમત્કારોનો દાવો કર્યો નહોતો. તેમણે સાધના, સેવા, સદાચાર અને શ્રીરામના નામના બળે લાખો શ્રદ્ધાળુઓના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. આવા મહાન સંતના નામે ખોટી વાર્તાઓ અને બનાવટી ફોટા-વીડિયો પ્રસારિત થવું અત્યંત દુ:ખદ અને ગંભીર બાબત છે.
મંદિર ટ્રસ્ટે વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર વ્યુઝ અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં કેટલાક લોકો મનઘડંત કથાઓ અને અઈં દ્વારા તૈયાર કરાયેલા ફોટા-વીડિયો શેર કરી રહ્યા છે. આ પ્રકારની સામગ્રી બાપાના મૂળ સ્વરૂૂપ અને તેમના ભક્તિસંદેશ સાથે મોટો અન્યાય કરે છે.ટ્રસ્ટે ચેતવણી આપી છે કે જો આવી કાલ્પનિક અને ભ્રામક સામગ્રીને સમયસર રોકવામાં નહીં આવે તો આવનારી પેઢી બાપાના સાચા જીવનચરિત્ર અને ઇતિહાસથી વંચિત રહી શકે છે. જેના કારણે તેમના જીવનમૂલ્યો અને આધ્યાત્મિક સંદેશ વિશે ખોટી માન્યતાઓ ઉભી થવાની શક્યતા વધી શકે છે.
ટ્રસ્ટની તમામ ભક્તોને અપીલ અંતમાં મંદિર ટ્રસ્ટે તમામ ભક્તોને અપીલ કરી છે કે તેઓ માત્ર આશ્રમ અથવા મંદિર ટ્રસ્ટ દ્વારા જારી કરવામાં આવતી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખે. સાથે જ કોઈપણ બનાવટી ફોટા, વીડિયો અથવા કાલ્પનિક માહિતી સોશિયલ મીડિયા પર શેર ન કરવા અને આવા ક્ધટેન્ટથી સાવધાન રહેવા અનુરોધ કર્યો છે. ટ્રસ્ટે ભારપૂર્વક જણાવ્યું કે સંતો ક્યારેય મનોરંજન કે કલ્પનાનો વિષય નથી, પરંતુ શ્રદ્ધા, સેવા અને સમર્પણના પ્રતીક છે.
