કલાર્કે 44 બોલમાં 63 અને સજીવન સજનાએ 25 બોલમાં 45 રન ફટકાર્યા
શુક્રવારે મહિલા પ્રીમિયર લીગની ચોથી સીઝનનો શાનદાર પ્રારંભ થયો. નાદીન ડી ક્લાર્કની અડધી સદીના કારણે સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને ત્રણ વિકેટથી હરાવ્યું. ક્લાર્કે પ્રેમા રાવતનો સાથ આપતા 44 બોલમાં અણનમ 63 રન બનાવ્યા. મુંબઈએ 154 રન બનાવ્યા હતા. જેમાં સજીવન સજનાએ 25 બોલમાં 45 રન બનાવ્યા હતા. નિકોલા કેરીએ પણ 29 બોલમાં 40 રન બનાવ્યા હતા. ઓપનર જી. કમાલિનીએ 28 બોલમાં 32 રન બનાવ્યા જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 17 બોલમાં 20 રન બનાવ્યા. નેટ સાયવર-બ્રન્ટ અને અમેલિયા કેરે 4-4 રનનું યોગદાન આપ્યું. નાદીન ડી ક્લાર્કે 4 ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ લીધી. શ્રેયંકા પાટિલ અને લોરેન બેલે 1-1 વિકેટ લીધી.
155 રનનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂૂઆત મજબૂત રહી. સ્મૃતિ મંધાના અને ગ્રેસ હેરિસે 40 રનની ભાગીદારી નોંધાવી. ચોથી ઓવરમાં મંધાના 13 બોલમાં 18 રન બનાવીને કેચ આઉટ થઈ ગઈ. મંધાનાના આઉટ થયા પછી વિકેટની લાઇન લાગી ગઈ. ગ્રેસ હેરિસે 12 બોલમાં 25 , દયાલન હેમલથાએ 7, રાધા યાદવે 1 અને રિચા ઘોષે 6 રન બનાવ્યા. ત્યારબાદ નાદીન ડી ક્લાર્ક અને અરુંધતી રેડ્ડીએ અડધી સદીની ભાગીદારી નોંધાવી. નિકોલા કેરીએ રેડ્ડીને એમેલિયાના હાથે કેચ કરાવીને ભાગીદારી તોડી. રેડ્ડીએ 25 બોલમાં 20 રન બનાવ્યા. ત્યારબાદ બેટિંગ કરવા આવેલી શ્રેયંકા પાટિલ ફક્ત 1 રન બનાવી શકી. RCBને અંતિમ ઓવરમાં 18 રનની જરૂૂર હતી. ક્લાર્કે બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને RCBને વિજય અપાવ્યો.
ક્લાર્કે 44 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા. પ્રેમા રાવત 4 બોલમાં 8 રન બનાવી અણનમ રહી હતી. મુંબઈ તરફથી નિકોલા કેરી અને અમેલિયા કેરે બે- બે વિકેટ લીધી, જ્યારે નેટ સાયવર-બ્રન્ટ , શબનીમ ઈસ્માઈલ અને અમનજોત કૌરે એક -એક વિકેટ લીધી.
