BCGએ એનરોલમેન્ટ ફી વધારતા BCIમાં ફરિયાદ

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના કાનૂની સલાહકાર વિભાગ (ઇમ્પ્લિમેન્ટેશન સેલ)એ ગુજરાતના કેશોદના ગૌતમ વી. સિંધવની ફરિયાદને ગંભીરતાથી લઈને બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને આગળની કાર્યવાહી માટે…

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના કાનૂની સલાહકાર વિભાગ (ઇમ્પ્લિમેન્ટેશન સેલ)એ ગુજરાતના કેશોદના ગૌતમ વી. સિંધવની ફરિયાદને ગંભીરતાથી લઈને બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને આગળની કાર્યવાહી માટે મોકલી આપી છે. આ ફરિયાદમાં બાર કાઉન્સિલ ઑફ ગુજરાત પર ડ્રાફ્ટ એડવોકેટ્સ (સુધારા) બિલ, 2026 હજુ જાહેર સલાહ-સૂચનના તબક્કે હોવા છતાં વધારેલી એનરોલમેન્ટ ફી ₹25,000 વસૂલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ગૌતમ વી. સિંધવે 28 જુલાઈ 2026ના રોજ કાયદા મંત્રાલયને લખેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મંત્રાલયે ડ્રાફ્ટ એડવોકેટ્સ (સુધારા) બિલ, 2026 પર જાહેરમાંથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સુધારો હજુ સંસદમાં પસાર થયો નથી અને અમલમાં આવ્યો નથી.

આમ છતાં બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે સુધારેલું એનરોલમેન્ટ ફોર્મ જારી કરીને સામાન્ય અરજદારો માટે કુલ ₹25,000 અને અનુસૂચિત જાતિ/જનજાતિના અરજદારો માટે ₹22,000ની ફી નક્કી કરી છે. આ રકમમાં એનરોલમેન્ટ ફી, એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ, લાઇબ્રેરી ફંડ, આઈડેન્ટિટી કાર્ડ ફી, બી.સી.જી. લીગલ એજ્યુકેશન ફંડ તેમજ બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના વેલફેર ફંડ (રૂલ 40 હેઠળ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. કાઉન્સિલે આ ફી વસૂલવાની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે.

એડવોકેટ્સ એક્ટ, 1961ની કઈ જોગવાઈ, નિયમ, ઠરાવ કે ગેઝેટ નોટિફિકેશન હેઠળ આ વધારેલી ફી લાગુ કરવામાં આવી છે? તેમણે મંત્રાલયને સ્પષ્ટતા માંગી છે કે બિલ હજુ જાહેર સલાહ તબક્કે હોવા છતાં શું બાર કાઉન્સિલ ઑફ ગુજરાતને આવી ફી વસૂલવાની કાનૂની છૂટ છે? કેન્દ્ર સરકારે કોઈ મંજૂરી આપી છે કે નહીં? જો ન હોય તો આવી વસૂલાત સામે શું કાર્યવાહી કરવામાં આવશે?

તેમણે વિનંતી કરી છે કે બાર કાઉન્સિલ ઑફ ગુજરાતને તાત્કાલિક આવી વસૂલાત બંધ કરવા અને કોઈપણ સ્ટેટ બાર કાઉન્સિલને સુધારો કાયદો બને ત્યાં સુધી અમલ ન કરવા સૂચના આપવામાં આવે. 30 જુલાઈ 2026ના પત્રમાં અંડર સેક્રેટરી અમિત કુમારે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના પ્રિન્સિપલ સેક્રેટરીને લખ્યું છે કે એડવોકેટ્સ એક્ટ, 1961ની કલમ 7(1)(જી) હેઠળ સ્ટેટ બાર કાઉન્સિલોની કામગીરીની દેખરેખ રાખવાની જવાબદારી બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની છે. તેથી આ ફરિયાદ તેમને આગળની યોગ્ય કાર્યવાહી માટે મોકલવામાં આવી રહી છે. બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના સૂચના પત્રમાં ફીની વિગતો સ્પષ્ટપણે જણાવવામાં આવી છે અને ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાના ચલણ દ્વારા જ ફી ભરવાની શરત મૂકવામાં આવી છે. આ મામલે હવે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. ફરિયાદી ગૌતમ વી. સિંધવે મંત્રાલયને તપાસ કરીને કાનૂની પગલાં લેવાની વિનંતી કરી છે.

રાજકોટ બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા અંગે વકીલો પાસેથી સૂચનો મંગાવાયા
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી દર વર્ષે યોજાઈ રહી છે ત્યારે વકીલો દ્વારા દર વર્ષે ચૂંટણી યોજાતા કામગીરીમાં દખલને પગલે બાર એસોસીએશનની ચૂંટણી દર બે વર્ષે યોજવાની માંગ ઉઠી હતી. જેના પગલે બાર એસોસીએશન દ્વારા બાર એસોસીએશનના બંધારણ સુધારણા અંગે કમીટીની રચના કરવામાં આવી હતી. જેમાં સિનિયર ધારાશાસ્ત્રીઓનો બાર એસોસીએશનની બંધારણ સુધારણા કિમટીની મીટીંગમાં બે વર્ષે ચૂંટણી યોજવી તે મુજબનો બાર એસોસીએશનના બંધારણમાં યોગ્ય આનુસંગીક સુધારો કરવા અંગેનો નિર્ણય કરવા અંગે તેમજ તે અંગે આગળની કાર્યવાહી કરવા બાર એસોસીએશન દ્વારા આજે બપોરે ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ ખાતે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જનરલ બોર્ડ માં સેક્રેટરી દ્વારા બાર એસોસિએશનની બોડીની મુદત બે વર્ષ ની કરવા અને તેનો અમલ ક્યારથી કરવો તે અંગેનો એજન્ડા સંભળાવ્યો હતો. જેમાં વકીલો દ્વારા વાંધાઓ લેવામાં આવ્યા હતો અને જણાવ્યું હતું કે બાર એસો. દ્વારા કમિટીની રચના કરવામાં આવી તેની અમોને જાણ નથી તેમજ અમને સાંભળવાની તક મળી નથી આથી જનરલ બોર્ડ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈ વકીલોએ બે વર્ષે ચૂંટણી યોજવાની અને ક્યારથી લાગુ કરવાની તે મુદ્દે જે કોઈ વકીલોને વાંધા સૂચનો આપવાના હોય તે વકીલે લેખિતમાં બાર એસોસિએશનને તારીખ 10 ઓગસ્ટ સુધીમાં મોકલી આપવા જણાવ્યું છે અને જે વાંધા સૂચનો કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે અને કમિટી તેનું યોગ્ય નિરાકરણ કર્યા બાદ બાર એસોસિએશન ફરી આગામી દિવસોમાં જનરલ બોર્ડ બોલાવવાનુ નક્કી કર્યું હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *