ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ દેશના ઘરેલુ ક્રિકેટ માળખામાં એક મોટો ફેરફાર કર્યો છે. ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર એ છે કે ભારતની લોકપ્રિય સ્થાનિક અંડર-23 મેન્સ ODI (વનડે) ટુર્નામેન્ટ હવેથી ટી-20 ફોર્મેટમાં રમાડવામાં આવશે. આ સાથે જ બોર્ડે આગામી 2026-27 સીઝન માટે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઈરાની કપ સહિત કુલ 1788 મેચોનું આખું કેલેન્ડર જાહેર કરી દીધું છે. દુલીપ ટ્રોફી બાદ 1 ઓક્ટોબરથી ઈરાની કપનો રોમાંચ શરૂૂ થશે. ખાસ વાત એ છે કે આ વખતે આ મેચ જમ્મુ અથવા શ્રીનગરમાં રમાવાની છે, કારણ કે જમ્મુ-કાશ્મીરની ટીમ હાલની રણજી ટ્રોફી ચેમ્પિયન છે. આ ઉપરાંત, ઘરેલુ કેલેન્ડરમાં એક જૂની મેચની વાપસી પણ થઈ છે. ’રેસ્ટ ઓફ ઈન્ડિયા’ અને ’કર્નલ સીકે નાયડુ ટ્રોફી’ ની વિજેતા ટીમ વચ્ચેની મેચ ફરીથી 1 થી 4 ઓક્ટોબર વચ્ચે રમાડવામાં આવશે.
દેશની સૌથી મોટી ઘરેલુ ટુર્નામેન્ટ એટલે કે ’રણજી ટ્રોફી’ તેના જૂના બે તબક્કાના ફોર્મેટમાં જ રમાશે. આમાં એલીટ ગ્રુપમાં 32 ટીમો હશે, જેને 4 અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવશે. જ્યારે પ્લેટ ગ્રુપની 6 ટીમો સામાન્ય રીતે હોમ-એન્ડ-અવે ફોર્મેટમાં (એટલે કે પોતાના અને સામેવાળાના મેદાન પર) રમશે. યુવા ખેલાડીઓની તૈયારી માટે કૂચ બિહાર ટ્રોફી (એલીટ ગ્રુપ) ની નોકઆઉટ મેચો સ્પર્ધાત્મક સંતુલન જાળવવા જાન્યુઆરીમાં બેંગલુરુ અને મૈસુરમાં યોજાશે.
જ્યારે અંડર-16 ની વિજય મર્ચન્ટ ટ્રોફીને નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે ખસેડવામાં આવી છે. જો શોર્ટ ફોર્મેટની વાત કરીએ તો, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની એલીટ ગ્રુપ લીગ મેચો 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી વિશાખાપટ્ટનમ, મુંબઈ, કોલકાતા અને મોહાલી ખાતે રમાશે. તેની નોકઆઉટ મેચો 14 થી 25 ઓક્ટોબર સુધી નાગપુરમાં યોજાશે. બીજી તરફ, વનડે ફોર્મેટની વિજય હજારે ટ્રોફીની એલીટ ગ્રુપ લીગ મેચો 12 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી અમદાવાદ, બેંગલુરુ, રાંચી અને રાજકોટમાં રમાવાની છે. જ્યારે તેની નોકઆઉટ મેચો 5 થી 17 ડિસેમ્બર વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. પ્લેટ ગ્રુપની નોકઆઉટ મેચો 23 થી 25 નવેમ્બર સુધી ઇન્દોરમાં રમાશે.
