શરીફ હાદીના મોત બાદ બાંગ્લાદેશ ફરી હિંસામાં હોમાયું

ઢાકા સહિત અનેક શહેરોમાં આગજની-તોડફોડ સાથે ટોળાનો આતંક શેખ હસીનાના વિરોધી નેતા ઉસ્માન હાદીનું બાંગ્લાદેશમાં અવસાન બાદ બાંગ્લાદેશ ફરી હિંસાની આગમાં હોમાયું છે જેમાં હિન્દુ…

ઢાકા સહિત અનેક શહેરોમાં આગજની-તોડફોડ સાથે ટોળાનો આતંક

શેખ હસીનાના વિરોધી નેતા ઉસ્માન હાદીનું બાંગ્લાદેશમાં અવસાન બાદ બાંગ્લાદેશ ફરી હિંસાની આગમાં હોમાયું છે જેમાં હિન્દુ પરિવારોને નિશાન બનાવવામાં આવ્યા છે. હાદીના મૃત્યુથી ગુસ્સે ભરાયેલા ઉગ્રવાદીઓએ અનેક શહેરોમાં આગ લગાવી અને તોડફોડનો આશરો લીધો છે. એક હિન્દુ યુવાનને ક્રૂરતાથી માર મારવામાં આવ્યો હતો અને પછી તેના મૃતદેહને ઝાડ પર લટકાવીને આગ લગાવી દેવામાં આવી હતી. બાંગ્લાદેશના ચાર જેટલા શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા છે અને ઉશ્કેરાયેલા દેખાવકારોએ બે મોટા અખબારો ‘પ્રથમ આલો’ તથા ‘ડેલી સ્ટાર’ની ઓફિસો પણ આગના હવાલે કરી દીધી હતી. હજારો લોકો બેકાબૂ બની રસ્તાઓ પર આતંક મચાવી રહ્યાં છે. ઠેર ઠેર પથ્થરમારો અને આગજની જેવી ઘટનાઓ જોવા મળી રહી છે.

ઉસ્માન હાદી ઇસ્લામિક સંગઠન ઇન્કિલાબ મંચના પ્રવક્તા હતા. બાંગ્લાદેશમાં 11 ડિસેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. એક દિવસ પછી જ હાદી પર હુમલો કરવામાં આવ્યો, તેના માથામાં ગોળી વાગી હતી. ત્યારબાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

હાદીના મૃત્યુથી ગુસ્સે થયેલા મૂળભુત લોકો દેશભરના અનેક શહેરોને નિશાન બનાવી રહ્યા છે. તેઓ આગ લગાડવા, લૂંટ ચલાવવા અને હિન્દુ પરિવારોને નિશાન બનાવવા માટે કામ કરી રહ્યા છે. ભાલુકામાં એક હિન્દુ યુવકને માર મારીને હત્યા કરવામાં આવી હતી. ઉગ્રવાદીઓ દ્વારા દીપુ દાસ નામના હિન્દુ યુવકની પણ હત્યા કરવામાં આવી હતી. મૃતદેહને પણ ઝાડ પર દોરડાથી લટકાવીને આગ લગાવવામાં આવી હતી.
હાદીના મૃત્યુ પછી, બાંગ્લાદેશના ઘણા જિલ્લાઓમાં ઉગ્રવાદીઓ દ્વારા હિસક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે. ઢાકામાં, ખુલ્લેઆમ હિન્દુઓને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે, અને દરેક જગ્યાએ જેહાદી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બરના રોજ ઢાકાના બિજોયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ હાદીના માથામાં ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેમને પહેલા ઢાકા અને ત્યારબાદ 15 ડિસેમ્બરે એર એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે સિંગાપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. હાદીના મોત બાદ, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કરી લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી. તેમણે હાદીને ’જુલાઈ વિદ્રોહના નીડર યોદ્ધા અને શહીદ’ ગણાવ્યા અને શુક્રવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી. યુનુસે હાદીના હત્યારાઓને છોડવામાં નહીં આવે તેવું વચન આપ્યું અને તેમના પરિવારની જવાબદારી સરકાર લેશે તેવી પણ જાહેરાત કરી. શરીફ ઉસ્માન હાદી ’ઇન્કલાબ મંચ’ના સંસ્થાપક હતા અને જુલાઈ 2024માં શેખ હસીના સરકારને ઉથલાવી પાડનાર વિદ્રોહમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *