શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમુદાય દ્વારા પવિત્ર મહોરમ (તાજીયા)ના તહેવારની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આગામી તારીખ 26 અને 27 જૂન 2026ના રોજ યોજાનારા આ પર્વ દરમિયાન શહેરમાં શાંતિ, સલામતી, અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બની રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક અગત્યનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત તાજીયાની બેઠક સહિત કુલ ઊંચાઈ 09 ફૂટ કરતાં વધારે રાખવા પર, તેમજ આવા તાજીયા બનાવવા, વેચવા કે જાહેર માર્ગ પર પરિવહન કરવા પર અને રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.આ જાહેરનામું તારીખ 17/06/2026ના કલાક રાતે 12 વાગ્યા થી તારીખ 28/06/2026ના ક રાત્રીના 12 વાગ્યા સુધી સમગ્ર રાજકોટ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં અમલી રહેશે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા દ્વારા બહાર પાડવામાં જાહેરનામાં અંગે મહત્વના આદેશો આપવામાં આવ્યા છે,જેમાં તાજીયાની બેઠક સહિત કુલ ઊંચાઈ 09 (નવ) ફૂટ કરતાં વધારે રાખવા પર, તેમજ આવા તાજીયા બનાવવા, વેચવા કે જાહેર માર્ગ પર પરિવહન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. નિયત કરેલા સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ તાજીયા રાખવા નહીં. તેમજ પોલીસ સ્ટેશન દ્વારા મંજૂર કરાયેલા રૂૂટ અને સમય મર્યાદાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તાજીયા બનાવવાના કે વેચાણના સ્થળે આજુબાજુમાં ગંદકી કરવી નહીં. જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે તાજીયા મૂકવા નહીં અને કોઈ પણ તાજીયાને બિનવારસી હાલતમાં છોડવા નહીં. પબ્લિક સ્ટોલ પાસે કચરાપેટી રાખવાની અને સફાઈની જવાબદારી આયોજકોની રહેશે.
અન્ય કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ચિન્હો કે નિશાનીવાળા તાજીયા બનાવવા નહીં, ખરીદવા નહીં કે તેવું વર્તન કરવું નહીં.
ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અનુસાર, રાત્રે 10:00 વાગ્યાથી સવારના 06:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર મનાઈ રહેશે. તાજીયામાં વપરાતી સીરીઝ કે લાઈટિંગનું વાયરીંગ ખુલ્લું રાખવું નહીં. ચાલુ વીજ લાઈનને ધાતુના પદાર્થ કે લાકડાની કેચી વડે ઊંચી કરવાના જોખમી કૃત્યો પર પ્રતિબંધ છે. આ જાહેરનામું સરકારી આદેશ હોઈ, તમામ નાગરિકો અને તાજીયા કમિટીઓએ તેનું પાલન કરવું બંધનકર્તા છે. જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા આ હુકમનો ભંગ કરશે, તો તેની સામે કડક કાનૂની અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
