25થી 75 વર્ષના 28 સ્પર્ધકોએ ભાગ લીધો: વિજેતાને 2 હજારનું રોકડ પુરસ્કાર એનાયત
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ હેઠળ ’લાડુ સ્પર્ધા’ યોજાઈ હતી. આ સ્પર્ધા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. તેનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (ગાંધીનગર), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર (લીંબડી) અને તરણેતર ગ્રામ પંચાયતે સાથે મળીને કર્યું હતું.
આ સ્પર્ધામાં 25 થી 75 વર્ષના 28 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નિયમ મુજબ, બધા સ્પર્ધકોએ 30 મિનિટમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાના હતા. સ્પર્ધા શરૂૂ થતા જ બધાએ ઝડપથી લાડુ ખાવાનું શરૂૂ કર્યું.
પહેલી 15 મિનિટમાં જ મોટાભાગના સ્પર્ધકો સરેરાશ 15 લાડુ ખાઈને બહાર થવા લાગ્યા. અંતિમ તબક્કામાં પ્રથમ સ્થાન માટે પાંચ સ્પર્ધકો વચ્ચે રસાકસી જોવા મળી. સ્પર્ધકો જ્યારે 22, 24 અને 26 લાડુ સુધી પહોંચ્યા, ત્યારે દર્શકોએ તાળીઓ પાડીને તેમનો ઉત્સાહ વધાર્યો.
સ્પર્ધાની છેલ્લી મિનિટમાં વાતાવરણ ઉત્સુકતાભર્યું બની ગયું હતું. ગત વર્ષે પણ વિજેતા થયેલા વિંછીયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ 30 મિનિટ પૂરી થતા સુધીમાં 28 લાડુ ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું. સ્પર્ધાના નિયમ મુજબ એક જ વિજેતા પસંદ કરવાનો હોવાથી, બળવંતભાઈને 2,000 રૂૂપિયાનો રોકડ પુરસ્કાર આપીને વિજેતા જાહેર કરાયા. આ કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની, પ્રાંત અધિકારી કે. એન. કાચા, જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે વિજેતા સ્પર્ધકને પ્રોત્સાહિત કરીને પુરસ્કાર આપ્યો.
