બગસરા નગરપાલિકાનો અવારનવાર વિરોધ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખે અગાઉ ચૂંટણી માટે નહીં પરંતુ લોકોની સેવા માટે કાર્ય કરતા હોવાનું જણાવ્યું હતું પરંતુ ભાજપે તક આપતા જ ગોઠવાઈ જતા લોકોને આશ્ચર્ય સર્જાયું છે.
મળેલ માહિતી મુજબ બગસરા નગરપાલિકાને અનેકવાર તેની વહીવટી ભૂલો બદલ છેક હાઇકોર્ટ સુધી લડત આપનાર બગસરા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દિનેશભાઈ હડિયલ વારંવાર લોકો વચ્ચે એવો નિવેદન આપતા કે તેઓ ચૂંટણી માટે નહીં પરંતુ લોકોની સેવા માટે કાર્ય કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓ પુરાવા માટે તેમને શરૂૂ કરેલા અભિયાન સમયે મીડિયા સમક્ષ પણ એવું જ નિવેદન આપ્યું હતું કે ભવિષ્યમાં આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખી હું ક્યારેય કાર્યકર્તા નથી.
પરંતુ ભાજપ દ્વારા ઉમેદવારી કરવાની તક આપતા જ પોતાના તમામ સિદ્ધાંતો નેવે મૂકી રાજકીય હોદો મેળવવા માટે હોશે હોશે વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી પણ નોંધાવી લોકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વારંવાર વિવાદ નો મધપૂડો છેડનાર ચેમ્બર પ્રમુખ પક્ષનો ખેસ પહેરી લોકો પાસે મતની માગણી કરતા જોવા મળી રહ્યા છે. ભાજપની જ નગરપાલિકાની વિરુદ્ધ હાઇકોર્ટ સુધી રીટ કરનારને શિસ્તમાં માનનારા પક્ષે ઉમેદવારી ની તક કેમ આપી ? આ પ્રશ્નને કારણે કાર્યકરોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.
