દિવ્ય દરબારમાં ઘુણવાની ઘટનાને પ્લાન્ટેડ ઢોંગ ગણાવી, અંધશ્રધ્ધાના ઓઠા હેઠળ આર્થિક લાભ ખાટવાનો આક્ષેપ
બાળકને ધુણાવવાની ઘટનાની આકરી આલોચના, પોલીસ સુઓમોટો ફરિયાદ નોંધે તેવી માંગણી
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ’દિવ્ય દરબાર’ બાદ જાહેરમાં અંધશ્રદ્ધા ફેલાવવાના અને કાયદો-વ્યવસ્થા જોખમાવવાના ગંભીર આક્ષેપો સાથે મોટો વિવાદ ઊભો થયો છે.
દરબારમાં કથિત પ્રેત આત્માઓના નામે ધૂણતા લોકો દ્વારા પત્રકારો પર કરાયેલા હુમલા અને એક નિર્દોષ બાળકને ધૂણાવવાની ઘટનાને સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આ સમગ્ર ઘટનાક્રમને પૂર્વનિયોજિત અને ’પ્લાન્ટેડ ઢોંગ’ ગણાવીને તેમણે બાબા પર અંધશ્રદ્ધાના ઓઠા હેઠળ આર્થિક લાભ ખાટવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ પ્રશાસન સમક્ષ આ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરૂૂદ્ધ તાત્કાલિક ‘સુઑમોટો’ ગુનો દાખલ કરવાની ઉગ્ર માંગ કરી છે.સહકારી આગેવાન પુરષોત્તમભાઈ પીપળીયાએ બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) સામે ફરી એકવાર સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. રાજકોટમાં યોજાયેલા દિવ્ય દરબાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથા પૂરી કરીને જાહેરમાં અનેક લોકોને ધુણાવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા બાદ વિવાદ વકર્યો છે.
આ ઘટનાના સંદર્ભમાં પુરુષોત્તમભાઈ પીપળીયાએ બાબાનું નામ લઈને સીધી ચેલેન્જ આપતા લખ્યું છે કે, જો તેમનામાં તાકાત હોય તો તેઓ પોતાની પસંદગીના મીડિયા હાઉસમાં આવીને ’મોરે મોરો’ (સામસામે) ચર્ચા કરે અને જો તેઓ ચર્ચામાં ’ડાયપર’ ન બગાડી નાખે તો કહેજો. અગાઉ પણ બાબા બાગેશ્વર સરેઆમ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના ગંભીર આરોપો લગાવી ચૂકેલા પીપળીયાએ ગઈકાલે દિવ્ય દરબારમાં ભૂત-પિશાચના નામે લોકોને ધુણાવવાની કથિત ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીનો દિવ્ય દરબાર વિવાદમાં આવ્યો છે.
અહીં ધુણતા લોકોએ હૂમલો કરતા આ ઘટનાને સામાજિક અગ્રણી અને કાયદેઆઝમ પરસોતમ પીપળીયાએ વખોડી છે અને હૂમલો કરતી મહિલાઓ સહિતના લોકોને બાબાએ બોલાવેલી ડાકીની, સાકીની, પિચાશીની ગણાવી હતી અને એક બાળકને ધુણાવવામાં આવ્યો તે બાબાનું હીન કૃત્ય હોવાનું કહ્યું હતું. આ સાથે જ પોલીસે આ મામલે સુઑમોટો દાખલ કરવી જોઈએ તેવી માંગણી કરી હતી.
આ ઘટના થવાની જ હતી. જેનો વરતારો એક અઠવાડિયાથી હું આપું છું. બાબા ડાકીની, સાકીની, પિચાશીની અને પ્રેત આત્માને બોલાવીને તેમજ ધુણાવીને પોતે અંધશ્રદ્ધા ફેલાવે છે. જે અંધશ્રદ્ધા દ્વારા પોતે આર્થિક લાભ મેળવે છે. બાબાને હનુમાન ચરિત્રની કથામાં કોઈ રસ ન હતો તે તેમની બે દિવસની કથા ઉપરથી સાબિત થાય છે.
બાબાને હનુમાન ચરિત્ર વિશે કોઈ નોલેજ પણ નથી. જે માત્ર દિવ્ય દરબારમાં રસ ધરાવે છે જેને હું પ્રેત દરબાર કહું છું. જે આજે સાબિત થઈ ગયું છે. ચિઠ્ઠી ચબરખી નાખવી અને વરતારો આપવો તે ઢોંગ અને ધતિંગ છે અને જાદુગરી છે. જાદુગર પણ આ પ્રકારની જાદુગરી કરે છે પરંતુ તેઓ એવું નથી કહેતા કે ઈશ્વરીય શક્તિ છે પરંતુ તે એવું કહે છે કે આ ટ્રીક અને ટેકનીક છે.જાદુગરો પોતાના માવઠાઓ દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ યોજે છે. અહીં પણ બાબા પોતાના માવઠા સાથે લઈને આવ્યા હતા. પઢાવેલો પોપટ બોલતો હોય એવું માવઠાઓ બોલ્યા. તેમાં કોઈ પણ પ્રકારની દિવ્ય શક્તિ છે તેવું માનવાને કોઈ કારણ નથી.
જે ધુણતા હતા તેને પત્રકારો જ દેખાતા હતા. તે પત્રકારોને જોઈ જોઈને તેમના ઉપર હુમલાઓ કરતા હતા તો ડાકીની, શાકીનીને ખબર છે કે આ પત્રકાર છે ? જે બચી ગયા તે પણ પત્રકાર હતા અને જેની સાથે ઝપાઝપી થઈ તે પણ પત્રકાર હતા. પત્રકારને ભગાડવા માટે ડાકીની હતી બાકીની શાકીની અને પિચાશીની ધુણતા હતા. આ બધું પ્લાન્ટેડ હતું. આ દરમિયાન એક બાળકને ધુણાવવામાં આવ્યો તે હિન પ્રકારનું કૃત્ય કહી શકાય. બાળકને આપણે વૈજ્ઞાનિક કે એન્જિનિયર બનાવો છે કે પછી અંધશ્રદ્ધામાં લઈ જવો છે. જે આપણે નક્કી કરવાનું છે. બાબાએ આ પ્રકારની કૃત્ય કરવું ન જોઈએ.
તેમણે જણાવ્યું કે, પોલીસે બાબા વિરુધ્ધ સુઑમોટો ફરિયાદ દાખલ કરવી જોઈએ. આ પ્રકારે અગાઉ નિર્મલ બાબા, આસારામ બાપુ અને રામ રહીમ જેવા અનેક બાબાઓ થઈ ગયા પરંતુ આ પ્રકારના બાબાઓને રાજકીય હસ્તીઓ અને સેલિબ્રિટી ઉપર પ્રોત્સાહન આપે છે. જેથી હું આ પ્રવૃત્તિઓ માટે આ પ્રકારના લોકોને જવાબદાર ગણું છું નહીં કે પબ્લિકને.
