શ્રીનગર-સોનમર્ગમાં 8 ઇંચ, ગાંદરબલમાં 7 ઇંચ હિમવર્ષા, મનાલી-કુલુ સહિતના સ્થળોએ અનેક પ્રવાસીઓ અટવાયા, અનેક ફ્લાઇટો રદ-હાઇવે બંધ
કાશ્મીરમાં આ સિઝનની સૌથી ભારે હિમવર્ષાને કારણે જનજીવન ખોરવાયું હતું. શ્રીનગર-લેહ હાઇવે બંધ કરી દેવાયો હતો. ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદને કારણે પારો ઘણો નીચે સરક્યો હતો. ગુજરાતમાં ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો છે. તો બીજી બાજુ આબુમાં ઠંડીનો પારો માઈનસ ચાર ડિગ્રી પહોંચી ગયો છે. જયારે હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં પણ ભારે બરફ વર્ષા થઇ હતી.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 8 ઈંચ, ગાંદરબલમાં 7 ઈંચ, સોનમર્ગમાં 8 ઈંચ બરફ પડ્યો છે. જ્યારે પહેલગામમાં 18 ઈંચ બરફ પડ્યો હતો. શ્રીનગર-જમ્મુ હાઈવે પણ બરફના કારણે બંધ છે. અહીં 1000થી વધુ વાહનો ફસાઈ ગયા છે. ખરાબ હવામાનને કારણે શનિવારે શ્રીનગર એરપોર્ટ પરથી એક પણ ફ્લાઇટ ટેકઓફ થઈ ન હતી. રેલવે વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. હિમાચલ પ્રદેશમાં રાત્રે વાવાઝોડા સાથે હિમવર્ષા થઈ હતી.
શ્રીનગરમાં, ખરાબ હવામાનને કારણે શનિવારે તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને રેલ્વે સેવાઓને ભારે વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન, હિમાચલ પ્રદેશમાં, બરફના તોફાને રોહતાંગ પાસના ઉત્તર અને દક્ષિણ પોર્ટલ પર 3 ફૂટથી વધુ બરફ ફેંકી દીધો હતો, જેના કારણે અટલ ટનલ દ્વારા વાહનવ્યવહાર અટકી ગયો હતો.
દિલ્હી અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં પણ કમોસમી વરસાદ થયો છે. દિલ્હીમાં શનિવાર સવાર સુધીમાં એક જ દિવસમાં 41.2 મીમી વરસાદ નોંધાયો – જે 101 વર્ષમાં સૌથી વધુ ડિસેમ્બર વરસાદ છે.