રાજકોટ શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરીને અણહકની કમાણી કરતા બેફામ બનેલા ખાણીપીણીના ધંધાર્થીઓ, નામાંકિત હોટલ-રેસ્ટોરેન્ટના સંચાલકો તેમજ ભેળસેળિયા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ એક ઐતિહાસિક કદમ ભર્યુ છે. આજે મળેલી મનપાની સામાન્ય સભામાં ફૂડ સેફ્ટી એક્ટના નિયમોમાં સુધારો કરી, કાયદાકીય જોગવાઈઓને વધુ કડક બનાવવા માટે રાજ્ય સરકારને ભલામણ કરતો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ખાણીપીણીના ધંધાર્થીઓ સામે કાયદાનો સખત આંકડો ભીંસવા માટે આરોગ્ય ચેરમેન જયરાજસિંહ અને કમિટીના સભ્ય દ્વારા 12થી વધુ મહત્વપૂર્ણ સુધારાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. વર્તમાન કાયદામાં રહેલી ક્ષતિઓ અને મર્યાદાઓનો લાભ ઉઠાવીને દંડ ભરી છૂટી જતા ગુનેગારોને રોકવા માટે મનપા આ સુધારાઓ માટે રાજ્ય સરકાર સમક્ષ સત્તાવાર ભલામણ કરશે. જનરલ બોર્ડમાં ઉપસ્થિત તમામ શાસક અને વિપક્ષી સભ્યોએ એકસૂરે આ ઠરાવને સમર્થન આપીને સર્વાનુમતે પસાર કર્યો હતો.
શહેરમાં માત્ર નાના-મોટા લારી-ગલ્લા કે ફૂડ સ્ટ્રીટ પર જ નહીં, પરંતુ શહેરની નામાંકિત હોટલો અને વૈભવી રેસ્ટોરેન્ટ્સમાં પણ ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ખિલવાડ કરવામાં આવી રહ્યો હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે છે. શહેરમાં દૂધ, પનીર, માવો, ઘી અને અન્ય ડેરી પ્રોડક્ટ્સમાં પણ વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થઈ રહી હોવાની માહિતી સતત સામે આવી રહી છે. મનપાના ફ્લાઈંગ સ્ક્વોડ અને ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવતા દ્રવ્યોના નિરીક્ષણમાં આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવાં રસાયણો (કેમિકલ્સ) અને બનાવટી દ્રવ્યોની ચોંકાવનારી ભેળસેળ પકડાય છે. પરંતુ કાયદાકીય મર્યાદાઓની બેડીઓ હેઠળ તેમના હાથ બંધાયેલા રહે છે. મનપા તંત્ર આકરામાં આકરા પગલાં લેવા ઈચ્છતું હોવા છતાં, તેમણે વર્તમાન ’ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ’ના દાયરામાં રહીને જ કામ કરવું પડે છે. કાયદામાં દંડની રકમ અને સજાની જોગવાઈઓ મર્યાદિત હોવાને કારણે મનપા ઇચ્છવા છતાં આવા એકમોને કાયમી ધોરણે તાળાં મારી શકતી નથી.
હાલની સ્થિતિએ કેટલાક બેફામ, નિંભર અને નકટા વેપારીઓ તથા પેઢીઓ વારંવાર પકડાવા છતાં કાયદાની ખામીઓનો લાભ ઉઠાવે છે. થોડી રકમનો મામુલી દંડ ભરીને તેઓ કોર્ટ કે તંત્રમાંથી સહેલાઈથી છૂટી જાય છે અને ફરીથી એ જ સ્થળે દૂષિત તથા અશુદ્ધ ખોરાકનું વેચાણ શરૂૂ કરી દે છે. આવા તત્વો માટે દંડની રકમ માત્ર એક નાનો ખર્ચ બની ગઈ છે, જેના કારણે તેમનામાં કાયદા કે પ્રજાના આરોગ્યનો કોઈ ભય રહ્યો નહોતો. જનરલ બોર્ડમાં પસાર થયેલા આ સુધારા વિધેયકને જો રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે, તો રાજકોટ મનપાને સ્થાનિક કક્ષાએ જ કડક પગલાં લેવાની વિશેષ સત્તાઓ પ્રાપ્ત થશે.
