જામનગરના મોડા ગામે વીજ ચેકિંગ ટુકડી ઉપર હુમલો : ચાર સામે ફરિયાદ

કેસના કાગળો ફાડી નાખી રેકોર્ડિંગ ડીલીટ કરી નાખ્યું મામલો પોલીસ મથકે પહોંચ્યો જામનગર તાલુકાના મોડા ગામમાં ચેકિંગ માટે ગયેલી ટુકડી સાથે સ્થાનિકોએ બેહુદુ વર્તન કર્યું…

કેસના કાગળો ફાડી નાખી રેકોર્ડિંગ ડીલીટ કરી નાખ્યું મામલો પોલીસ મથકે પહોંચ્યો

જામનગર તાલુકાના મોડા ગામમાં ચેકિંગ માટે ગયેલી ટુકડી સાથે સ્થાનિકોએ બેહુદુ વર્તન કર્યું હતું. વીજ ચેકિંગ ટુકડીના વીજ અધિકારી ઉપર હુમલો કરી દઈ તેઓના હાથમાં રહેલો મોબાઇલ ફોન ઝુંટવી લઈ, રેકોર્ડિંગ કરેલું સાહિત્ય ડીલીટ કરી નાખ્યું હતું, તેમ જ કેસ કાગળો પણ ફાડી નાખી ફરજમાં રૂૂકાવટ કરી હોવાથી આ મામલે ચાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ ધોરાજીના વતની અને પીજીવીસીએલમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા સુલેમાનભાઈ સુમારભાઈ દોઢીયા નામના વીજ અધિકારી ગઈકાલે જામનગર તાલુકાના મોડા ગામમાં ચેકિંગ માટે ગયા હતા. જેઓની સાથે અન્ય સ્ટાફ પણ જોડાયો હતો.

મોડા ગામના રહેવાસી ગજેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા, કે જેના મકાનમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે તે રહેણાક મકાનમાં વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું, અને ગેરકાયદે વિજ જોડાણ મેળવી લઈ પાવર ચોરી કરાતી હતી.

જેથી સુલેમાનભાઈ દોઢીયા અને તેઓની ટીમ દ્વારા મોબાઈલ ફોનમાં સ્થળનું રેકોર્ડિંગ કરીને ફોટા પાડવામાં આવ્યા હતા, જયારે વીજ ચોરીનો કેસ કરવા માટેના કાગળો તૈયાર કરાઈ રહ્યા હતા. જે દરમિયાન મકાન માલિક ગજેન્દ્રસિંહ જાડેજા ઉસકેરાયો હતો, અને વિજ અધિકારી સાથે ઝઘડો અને ઝપાઝપી કરી મારકુટ કરી હતી. જેમાં તેમની સાથે ગજેન્દ્રસિંહ જાડેજા, અરવિંદસિંહ સતુભા જાડેજા અને અન્ય એક સાગરીત પણ જોડાયા હતા, જે ચારેય શખ્સો એ મારકુટ કરી કેસ કાગળો ફાડી નાખ્યા હતા, ઉપરાંત મોબાઇલ ફોન ઝુંટવી લઈ,તેમાં રહેલું રેકોર્ડિંગ સહિતનું સાહિત્ય પણ ડીલીટ કરી નાખ્યું હતું.

આખરે આ મામલો જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને સુલેમાનભાઈ દોઢિયા ની ફરિયાદ ના આધારે ઉપરોક્ત ચારેય આરોપીઓ સામે ફરજમા રૂૂકાવટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *