બગસરાના નવી હડીયાદ ગામે રહેતાં આશાવર્કરે પુત્રીના અભ્યાસ માટે રૂા.10 થી 15 લાખ વ્યાજે લીધા હતાં. વ્યાજનાં વીષચક્રમાં ફસાયેલા પ્રૌઢાએ વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેરી પાવડર પી લીધો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, બગસરાના નવી હડિયાદ ગામે રહેતાં અને આંગણવાડીમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતાં સપનાબેન પરેશભાઈ ઠાકર નામના 50 વષર્ર્ના પ્રૌઢા રાત્રીનાં નવ વાગ્યાના અરસામાં ઘરે હતાં ત્યારે ઝેરી પાવડર પી લીધો હતો. પ્રૌઢાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં સપનાબેન ઠાકર આંગણવાડીમાં આશાવર્કર તરીકે ફરજ બજાવે છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પુત્રીના અભ્યાસ માટે સપનાબેન ઠાકરે કટકે કટકે રૂા.10 થી 15 લાખ વ્યાજે લીધા હતાં. જે રૂપિયાની ઉઘરાણી કરી વ્યાજખોરો ધાક ધમકી આપતાં હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બગસરા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
