ચૂંટણી પૂરી થતાં જ 60 જેટલા ઉચ્ચ અધિકારીઓના બદલી-બઢતીના ઓર્ડર

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતાં, સામાન્ય વહીવટ વિભાગે 60…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતાં, સામાન્ય વહીવટ વિભાગે 60 જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલી અને બઢતી (પ્રમોશન) ના આદેશ જારી કર્યા છે. જેમાં 5 અધિકારીઓને અધિક સચિવ તરીકે અને 39 જેટલા ઉપસચિવોને નાયબ સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે 21 જેટલા સંયુક્ત સચિવ અને નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. 27 એપ્રિલ 2026 ના રોજ બહાર પડાયેલા આ આદેશ સાથે જ તમામ અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થઈ જવા માટે કડક સૂચના અપાઈ છે.

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા હુકમ મુજબ, 5 જેટલા વરિષ્ઠ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આ અધિકારીઓ અત્યાર સુધી સંયુક્ત સચિવ (વર્ગ 1) તરીકે ફરજ બજાવતા હતા, જેમને હવે હંગામી ધોરણે અધિક સચિવ (વર્ગ 1) ના પદ પર બઢતી અપાઈ છે. આ નવા હોદ્દા સાથે તેમનું પગાર ધોરણ પણ ’પે મેટ્રીક્સ લેવલ 13અ’ મુજબ 1,31,100 થી 2,16,600 રૂૂપિયા સુધીનું રહેશે. આ ઉપરાંત, સચિવાલયમાં ઉપસચિવ (વર્ગ 1, પે મેટ્રીક્સ લેવલ 10) તરીકે ફરજ બજાવતા 39 જેટલા અધિકારીઓને પણ હંગામી ધોરણે નાયબ સચિવ (પે મેટ્રીક્સ લેવલ 12) તરીકે પ્રમોશન આપીને નવી નિમણૂકો આપવામાં આવી છે.

પ્રમોશનની સાથે સાથે વહીવટી કારણોસર બદલીઓનો ઘાણવો પણ કાઢવામાં આવ્યો છે. 21 જેટલા સંયુક્ત સચિવ અને નાયબ સચિવ વર્ગ 1 ના અધિકારીઓની તેમની હાલની જગ્યાએથી અન્ય વિભાગોમાં બદલી કરવામાં આવી છે. આ બદલીઓ નર્મદા, જળસંપત્તિ, માર્ગ અને મકાન તેમજ ગૃહ વિભાગ જેવા સરકારના મહત્વના વિભાગોમાં કરવામાં આવી છે.

આ આદેશોનો તાત્કાલિક ધોરણે અમલ કરવા માટે તમામ વિભાગોને જાણ કરી દેવાઈ છે. સંબંધિત અધિકારીઓને હાલની ફરજ પરથી મુક્ત કરી, નવી જગ્યાનો ચાર્જ તાત્કાલિક સંભાળી લેવા અને તેની જાણ સામાન્ય વહીવટ વિભાગને કરવા પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *