ડાંગ જિલ્લાના સાપુતારાના ડુંગરાળ માર્ગ પર આજે અક્સમાત સર્જાયો હતો. સાપુતારા-શામગહાન ઘાટ માર્ગ પર સૈન્યની ગાડી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 9 જવાનને ઈજાઓ પહોંચી છે. જેમાં 3 જવાનની હાલત ગંભીર છે.
સાપુતારા-શામગહાન ઘાટ માર્ગ પર આજે સૈન્યની એક ગાડી વળાંક પર કાબૂ ગુમાવતાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ભારતીય સેનાનો કાફલો ટ્રક લઈને મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહ્યો હતો. માં સેનાની તોપ લાદેલી હતી.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને ડાંગ જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ જવાનોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકના શામગહાન સીએસસી (CSC) સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે તમામ ઈજાગ્રસ્ત જવાનોને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતને પગલે ઘાટ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતગ્રસ્ત વાહનમાં સેનાની તોપ અને અન્ય સંરક્ષણ સાધનો હોવાથી વહીવટી તંત્ર અને સેના દ્વારા સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે અન્ય જવાનો અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
