રાજકોટ શહેરના નાગરિકો માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે શહેરના લોકોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન મેળવવા માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત ગેસ કંપની સાથે સંકલન કરીને નવી ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થા કાર્યરત થયા બાદ નાગરિકો ઘરે બેઠા જ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પરથી નવા ગેસ કનેક્શન માટે અરજી કરી શકશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વધુને વધુ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂૂપે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હાલ નવા PNG ગેસ કનેક્શન માટે અલગ-અલગ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે, પરંતુ નવી વ્યવસ્થા અમલી બન્યા બાદ આ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. ખાસ કરીને નાગરિકોના સમય અને શ્રમની બચત થશે.
નવી વ્યવસ્થા હેઠળ મહાનગર પાલિકાની સત્તાવાર વેબસાઇટ પર ગુજરાત ગેસ કંપનીની લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલમાં મનપાની વેબસાઇટ પર મિલકત વેરો ભરવા સહિતની વિવિધ ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ છે. હવે તેમાં PNG ગેસ કનેક્શન માટેની અરજી કરવાની સુવિધા પણ ઉમેરવામાં આવશે. નાગરિકો મનપાની વેબસાઇટ ખોલીને ગેસ કનેક્શનના વિકલ્પ પર ક્લિક કરી શકશે. ત્યારબાદ જરૂૂરી વિગતો સાથેનું ફોર્મ ભરીને માંગવામાં આવેલા દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરી શકશે. આ ઉપરાંત અરજીની સ્થિતિ પણ જાણી શકાશે. જેના કારણે સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને અરજદારોને વારંવાર કચેરીઓમાં જવાની જરૂૂરિયાત રહેશે નહીં.
નાગરિકોને નવી સુવિધાનો લાભ સરળતાથી મળી રહે તે માટે ગુજરાત ગેસ કંપની દ્વારા મહાનગરપાલિકાના તમામ વોર્ડ ઓફિસરો સાથે સંકલન કરવામાં આવશે. આ માટે વોર્ડવાઈઝ બેઠકો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકો દરમિયાન લોકોને PNG ગેસ કનેક્શન મેળવવાની પ્રક્રિયા, અરજી કરવા માટે જરૂૂરી દસ્તાવેજો અને ઓનલાઈન નોંધણી અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
