સરકારી લેણા ભરવામાં મામલતદાર અને સિટી સર્વે કચેરી વચ્ચે ફંગોળાતા અરજદારો

સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોના કામ સમયસર થાય અને વહીવટી તંત્ર લોકોની મુશ્કેલીઓ દૂર કરે તેવી અપેક્ષા હોય છે, પરંતુ ઉનામાં સરકારી લેણાંની રકમ ભરવા જતાં…

સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોના કામ સમયસર થાય અને વહીવટી તંત્ર લોકોની મુશ્કેલીઓ દૂર કરે તેવી અપેક્ષા હોય છે, પરંતુ ઉનામાં સરકારી લેણાંની રકમ ભરવા જતાં નાગરિકોને એક કચેરીમાંથી બીજી કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા હોવાની સ્થિતિ સામે આવી છે. મામલતદાર કચેરી અને સિટી સર્વે કચેરી વચ્ચે વસૂલાતની જવાબદારીને લઈને સંકલનના અભાવે લોકોની હાલત કફોડી બની છે. એક કચેરી બીજી કચેરીમાં જવાનું કહે છે, જ્યારે બીજી કચેરી ફરી પ્રથમ કચેરી તરફ ધકેલી દે છે. સરકારી પરિપત્ર હોવા છતાં તેનો યોગ્ય અમલ થતો ન હોવાની રજૂઆત સાથે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ કોટેચાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.

ચંદુભાઈ કોટેચાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તા. 16 સપ્ટેમ્બર, 2017ના રોજ સરકારી લેણાંની રકમની વસૂલાત અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાના અનુસંધાને જમીન દફતર નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા. 5 ફેબ્રુઆરી, 2026ના રોજ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓને પરિપત્ર મારફતે જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પરિપત્રમાં સરકારી લેણાંની વસૂલાત માટે કયા વિસ્તારની કઈ કચેરી જવાબદાર રહેશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ખાસ કરીને પરિવર્તનીય વિસ્તાર એટલે કે અનધિકૃતમાંથી અધિકૃત થયેલી મિલકતોની સરકારી વસૂલાતની જવાબદારી સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયરને સોંપવામાં આવી છે. જ્યારે બાકીની વસૂલાત માટે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના સિટી તલાટી તથા ગ્રામ્ય વિસ્તારોમાં સંબંધિત તલાટી મંત્રીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

પરિપત્રમાં જવાબદારી સ્પષ્ટ હોવા છતાં ઉનામાં તેનો યોગ્ય અમલ થતો ન હોવાની ફરિયાદ ઉઠી છે. સરકારી લેણાંની રકમ ભરવા માટે નાગરિકો મામલતદાર કચેરીએ જાય તો તેમને સિટી સર્વે કચેરીમાં જવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ નાગરિકો સિટી સર્વે કચેરીમાં પહોંચે ત્યારે ત્યાંથી ફરી મામલતદાર કચેરીમાં રકમ ભરવાની હોવાનું જણાવી પરત મોકલવામાં આવે છે.

સરકારી પરિપત્રો માત્ર કાગળ પર જ ન રહે, પરંતુ તેનો અમલ જમીની સ્તરે થાય અને સામાન્ય નાગરિકોને સરકારી કામકાજ માટે બિનજરૂૂરી હેરાનગતિ ન ભોગવવી પડે તે માટે વહેલી તકે યોગ્ય આદેશ કરવા તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *