આર્થિકભીંસ વધુ એક જિંદગી ભરખી ગઇ; કારખાનેદારનો ફાંસો ખાઇ આપઘાત

શહેરમાં મંદીના કારણે અવાર નવાર આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ભવનાથ સોસાયટીમાં રહેતા કારખાનેદાર યુવાને ધંધો નહીં…

શહેરમાં મંદીના કારણે અવાર નવાર આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ભવનાથ સોસાયટીમાં રહેતા કારખાનેદાર યુવાને ધંધો નહીં ચાલતા આર્થિકભીસથી કંટાળી નિલકંઠ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા પોતાના જ કારખાનામાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હરીધવા રોડ પર આવેલી ભવનાથ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઇ ધીરજલાલ સાવલીયા નામનો 42 વર્ષનો યુવાન માલધારી ફાટક પાસે નિલકંઠ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા પોતાના એકોમેક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં હતો. ત્યારે લોખંડના એંગલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. ઘટના અંગે જાણ થતા 108 ટીમ દોડી ગઇ હતી. 108ના ઇએમટીએ જોઇ તપાસી જીગ્નેશભાઇ સાવલીયાને નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં જીગ્નેશભાઇ સાવલીયા બે ભાઇ મોટા હતા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જીગ્નેશભાઇ સાવલીયા નિલકંઠ ઇન્ડસ્ટ્રીઝ એરીયામા ભાડાનું કારખાનુ ધરાવતા હતા. ધંધો નહીં ચાલતા આર્થિકભીસથી ગળેફાંસો ખાઇ લીધો હતો. નાનાભાઇ ધર્મેશભાઇએ જીગ્નેશભાઇને ફોન કર્યા હતા. પરંતુ ફોન રીર્સીવ નહીં થતા ધર્મેશભાઇ કારખાને પહોંચ્યા હતા. ત્યારે જીગ્નેશભાઇ સાવલીયાનો મૃતદેહ લટકાતો જોવા મળ્યો હતો. આ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *