સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો, પ્રોપેન ગેસના ભાવમાં રૂા.7.30નો વધારો

કારમી મંદી, મટિરિયલ્સના સતત ભાવ વધારા અને ખાડી યુધ્ધના કારણે અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં…

કારમી મંદી, મટિરિયલ્સના સતત ભાવ વધારા અને ખાડી યુધ્ધના કારણે અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં કિલોએ રૂા.7.30નો વધારો ઝિંકાતા ઉદ્યોગકારોમાં બોકાસો બોલી ગયો છે. આ ભાવ વધારાના કારણે ટાઇલ્સના ભાવોમાં પણ તાત્કાલિક વધારો લાદવામાં આવે તેવી શકયતા છે.

મોરબીનો વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ છેલ્લા છ મહિના કરતા પણ વધુ સમયથી અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ત્યારથી જ આ ઉદ્યોગ સતત ગેસ સંકટનો સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોર્ટ બંધ થવું અને ક્ધટેનરના ભાડામાં થયેલો મતિહીન વધારો જેવા પ્રશ્નોથી ઉદ્યોગકારો પહેલાથી જ પરેશાન હતા. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે હવે પ્રોપેન ગેસના ભાવમાં થયેલા વિરાટ વધારાએ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે.

દિવાળીના તહેવારો પૂર્વે સિરામિક ઉદ્યોગકારોને ગેસના ભાવમાં કોઈ રાહત મળવાની આશા હતી, પરંતુ તેના બદલે પડ્યા પર પાટુ વાગ્યું છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂૂ. 7300નો મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. કંડલા અને પોરબંદરથી મોરબી તરફ આવતા પ્રોપેન ગેસના ભાવમાં આ વધારો કરવામાં આવ્યો છે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં સીધો મોટો ઉછાળો આવશે.

અત્યાર સુધી નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના ભાવ વચ્ચે થોડો તફાવત હતો. નેચરલ ગેસ કરતા પ્રોપેન ગેસ થોડો સસ્તો મળતો હોવાથી ઉદ્યોગકારો પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને કામ ચલાવી લેતા હતા અને પ્રોડક્શન ચાલુ રાખતા હતા. પરંતુ હવે પ્રોપેન ગેસના ભાવમાં આટલો મોટો વધારો થતાં તેના ભાવ પણ નેચરલ ગેસની આસપાસ પહોંચી ગયા છે, જેના કારણે સસ્તા બળતણનો વિકલ્પ પણ હવે છીનવાઈ ગયો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ હજુ સંપૂર્ણપણે શાંત થઈ નથી, જેના કારણે સિરામિક ક્ષેત્રે મંદીનો માહોલ યથાવત છે. એક તરફ તૈયાર માલનો ઉપાડ ઓછો છે અને બીજી તરફ ગેસના સતત વધતા જતા ભાવોને કારણે પ્રોડક્શન કોસ્ટ (ઉત્પાદન ખર્ચ)ને પહોંચી વળવું ઉદ્યોગકારો માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે. ગેસના આ આકરા ભાવવધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતામાં ભારે વધારો થયો છે.

ચીન સાથે સ્પધામાં ટકવું મુશ્કેલ, સિરામિક ઉદ્યોગકારોમાં ભારે દેકારો
પ્રોપેન ગેસના ભાવમાં કિલોગ્રામે રૂા.7.30નો વધારો ઝીંકાતા મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં બોકાસો બોલી ગયો છે. ઉદ્યોગકારોનું કહેવુ છે કે, આંતરરાષ્ટ્રીય વેપાર ઠપ્પ જેવો હોવાથી આમ પણ 60 ટકા યુનિટો બંધ છે અને જે યુનિટો ચાલુ છે તે પણ ડચકા ખાઇ રહ્યા છે ત્યારે પ્રોપેન ગેસનો આ ભાવવધારો સિરામિક ઉદ્યોગ માટે મોટા ફટકા સમાન સાબિત થશે. આ ભાવ વધારાના કારણે ચીન અને તુર્કીના સિરામિક ઉદ્યોગો સાથે સ્પર્ધામાં ટકી રહેવુ મોરબીના ઉદ્યોગો માટે મુશ્કેલ બની જશે અને નિકાસને પણ મોટો ફટકો પડશે. વીજળી અને ગેસના સતત ભાવ વધારાના કારણે ઉદ્યોગો મંદીમાં ધકેલાતા લાખો શ્રમિકોની રોજગારી ઉપર પણ સંકટ સર્જાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *