1939ની સાલના રાજાશાહી વખતના પુરાવા રજૂ કર્યા તેની અરજીઓ નામંજૂર કરી અને 2023ની સાલમાં રાજભાએ કરેલી અરજી સ્વીકારી વનવિભાગે કિન્નાખોરી દાખવી
ગીરના જંગલમાં કાયમી વસવાટ માટે જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીને વનવિભાગ દ્વારા માલધારી તરીકે મંજૂરી આપવામાં આવતા વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહેલા અમરેલી અને જૂનાગઢ જિલ્લાના સ્થાનિક માલધારીઓમાં ચાલુ વર્ષ 2026માંભારે રોષ ફાટી નીકળ્યો છે. પોતાની વર્ષો જૂની અરજીઓ નામંજૂર થવા પાછળ વનવિભાગની ક્ધિનાખોરી જવાબદાર હોવાના આક્ષેપ સાથે નારાજ માલધારીઓએ હવે ગાંધીનગર સુધી રજૂઆતો કરીને ન્યાય મેળવવા કાનૂની અને વહીવટી લડત શરૂૂ કરી છે.
ગીર જંગલમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીને માલધારી તરીકે મંજૂરી મળ્યા બાદ અમરેલી અને જૂનાગઢ જિલ્લાના સામાન્ય માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે રાજ્ય સરકાર અને વનવિભાગ સમક્ષ ન્યાયની માંગણી કરવામાં આવી છે.
રાજભા ગઢવીએ 2023માં માલધારી તરીકે અરજી કરી હતી, જે તે સમયે નામંજૂર થઈ હતી. જોકે, 2026માં તેમને મંજૂરી મળતા વિવાદ સર્જાયો છે. બીજી તરફ, જૂનાગઢ જિલ્લાના વિસાવદર રેંજના ગોરડવાળા અને અમરેલી જિલ્લાના ખાંભાના શિરનેસ સહિતના વિસ્તારોના માલધારીઓની વર્ષો જૂની અરજીઓ નામંજૂર કરવામાં આવી છે અને તેમને કોઈ જવાબ મળ્યો નથી.માલધારી ગોલણભાઈ જેબલીયાએ જણાવ્યું કે તેઓ રાજાશાહીના સમયથી, એટલે કે 1939થી માલધારી છે અને તેમની પાસે 1966 સુધીના કાયમી મસવાડી પાસના પુરાવા પણ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે ફોરેસ્ટ પાસેથી કોઈ જમીન કે મકાન લીધું નથી અને તેઓ કાયમી માલધારી છે.
તેમણે સરકારના 1970 પહેલાના પરિપત્રનો ઉલ્લેખ કર્યો, જે મુજબ એક જ નેહડા પર 3 વર્ષથી મસવાડી પાસ ધરાવતા માલધારીઓને મંજૂરી આપવાની જોગવાઈ છે. ગોલણભાઈએ આક્ષેપ કર્યો કે તેમની અરજીઓ કિનાખોરી રાખીને ફાઇલ કરી દેવાય છે, જ્યારે રાજભા ગઢવી જેવા સેલિબ્રિટીને ઝડપથી મંજૂરી મળી જાય છે.
સામાન્ય માલધારીઓ પાસે પણ માલઢોર સહિતના તમામ પાકા પુરાવા હોવાનું જણાવી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે રાજભા ગઢવીએ જેટલા પુરાવા રજૂ કર્યા છે, તેટલા જ પુરાવા તેઓ પણ રજૂ કરવા તૈયાર છે અને તેમને પણ ન્યાય મળવો જોઈએ. ગઈકાલે કેટલાક માલધારીઓ ગાંધીનગર PCCF સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેના કારણે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.
માલધારી ગોલણભાઈ જેબલીયાએ જણાવ્યું કે, “અમે 3-4 વખત અરજીઓ કરી હતી અમારા ઝૂંપડા પણ તૈયાર છે પરંતુ અમારી અરજીનો કોઈ જવાબ નહિ. 10 વર્ષ પહેલા અમે સીટીમાં રહેતા હતા ત્યાંથી અમારા બા બીમાર હતા એટલે પીપળવા બોડરમા રહેતા હતા. પછી એક સાહેબ આવ્યા એણે ન જવા દીધા, પછી અમે નેહડે જવા માટે અરજીઓ કરી પણ કોઈ જવાબ આવ્યો નહિ. રાજભાને મંજૂરી મળી ગઈ, અમે માલધારી છીએ અમને કેમ નહિ? અમારી અરજી લે અને અમને નેહડે ફરી જવા દે તેવી માંગણી છે.”
ગીર સંવર્ધન માટે વનવિભાગનો આ નિર્ણય ભેદભાવ ભર્યો: ગોગરેટ ફાઉન્ડેશન
ગોગરેટ ફાઉન્ડેશન ચેરમેન ભગવાનભાઈ સોલંકીએ જણાવ્યું કે, ગુજરાતના જાણીતા કલાકાર રાજભા ગઢવીએ 2023માં ગીર પૂર્વમાં અરજી કરી હતી. ઝૂંપડા બાંધી માલઢોર સાથે અરજી કરી પરવાનગી માંગી હતી, ત્યારબાદ DCF દ્વારા ચોક્કસ કારણો રજૂ કર્યા અને વ્યાજબી કારણો સાથે અભિપ્રાય નકાર્યો હતો. હવે વર્તમાન DCF દ્વારા લીલાપાણી નેસમાં માલઢોર બાંધવા મંજૂરી આપી છે. અગાઉના ઉઈઋ દ્વારા અરજીમાં નકારાત્મક કારણો સાથે રજૂ કરે છે, એ જ અરજીમાં 2026માં મંજૂર કરે છે આ બાબત ગીર સંવર્ધન માટે દુ:ખદ છે. આવી પરમિશન ન આપવી જોઈએ. વૈભવી જીવન જીવે છે, સારી સુવિધા છે તે લોકોને પણ ખ્યાલ છે. હવે આ વિચારવું જોઈએ, રાજભા ગઢવી છે તે ગીર નેસમાં જઈ ગાય-ભેંસને ચરાવવાના નથી. આવનારા સમયમાં ગિરમાં ઘણા બધાના પ્રશ્નો ઉઠશે.
માલધારીઓમાં રોષ, આંદોલનની ચીમકી
ગઈ કાલે ગાંધીનગરમાં જૂનાગઢ સહિત ગીર આસપાસના ગામડામાં રહેતા માલધારીઓ ગાંધીનગર ખાતે એકત્ર થયા હતા અને PCCF સાથે મુલાકાત કરી રાજ્ય સરકારમાં નેસમાં મંજૂરી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે.
