રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે નાના ભૂલકાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અસહ્ય ગરમીના માહોલમાં માસુમ ભૂલકાઓનું સ્વાસ્થ્ય સંચવાઇ રહે તેના માટે આગામી તારીખ 31મી મે સુધી રાજયની આંગણવાડીઓમાં આવતા બાળકોને પુરક પોષણ આપવાની સાથે સવારે 11 કલાકે છોડી દેવાનો આદેશ અપાયો છે. દરમિયાન કાર્યકર અને તેડાગર કર્મચારી માટે બપોરે 12.30 સુધીનો સમય નિયત કરાયો છે.
રાજ્યમાં ગ્રીષ્મ લહેરનો માહોલ શરૂૂ થયા પહેલા ગત તારીખ 29મી માર્ચે મહિલા અને બાળ વિકાસના નિયમો જિલ્લ ા વિકાસ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને પત્ર પાઠવીને ઉનાળા દરમિયાન અતિશય ગરમીના કારણે ખાસ કેસમાં આંગણવાડી કેન્દ્રના સમયમાં ફેરફાર કરવા સંબંધે જાણ કરી હતી.
સામાન્ય સંજોગોમાં આંગણવાડીનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યાનો નિયત છે. તેમાં ફેરફાર કરીને એપ્રિલથી જુન એમ ત્રણ મહિના માટે સમય સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યાનો કરવા સંબંધે ભારત સરકારની જુલાઇ 2011ની ગાઇડ લાઇનને અનુસરવા જણાવાયુ હતું. પરંતુ ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર જઇને યલો અને ઓરેન્જ એલર્ટની સ્થિતિમાં આવતાં મહિલા અને બાળ વિકાસ વિભાગ કમિશનર કચેરીએ અતિશય ગરમીને ધ્યાને રાખીને એપ્રિલ અને મે મહિના પુરતો નવેસરથી નિર્ણય કરવા જણાવ્યુ હતું.
