કર્ણાટક-મધ્યપ્રદેશ-આંધ્રપ્રદેશ-મહારાષ્ટ્રમાં ગુજરાતની આંગડિયા પેઢીના વાહનો રોકી લૂંટી લેવાની નવી મોડસ ઓપરન્ડી
રોકડિયા વ્યવહાર અને પોલીસની અવ્યવહારું નીતિના કારણે લૂંટારા પકડાતા નથી, માલ રીકવર કરવામાં પોલીસની ઢીલી નીતિ
યોગ્ય રસ્તો ન નીકળે તો આંગડિયા પેઢીઓને તાળા મારવા પડે તેવી સ્થિતિ, તો વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રને થઇ શકે મોટી અસર
ગુજરાતમા રોકડીયા વ્યવહાર અને ઝર-ઝવેરાતની હેરફેર માટે વ્યાપાર-ઉધોગક્ષેત્રને ખૂબજ ઉપયોગી એવી આંગડીયા પેઢીઓ છેલ્લા કેટલાક સમયથી આયોજન પૂર્વક લૂંટાઇ રહી હોવાથી અને પોલીસતંત્ર તેમા ઢીલી નીતિ અપનાવતી હોવાથી આંગડીયા પેઢીઓનાં વ્યવહારો ઉપર ગંભીર અસર પહોંચી રહી છે . અસુરક્ષાની સ્થિતિનાં કારણે આંગડીયા પેઢીઓને તાળા મારવા પડે તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે.
અમૂક આંગડીયા પેઢીઓ કાળા-ધોળાનાં ગોરખધંધા કરે છે પરંતુ વર્ષોથી આંતર રાજય અને આંતર શહેરોનાં વ્યાપારમા નાણાકીય વ્યવહાર આસાન બનાવતી આંગડીયા પેઢીઓ ઉપર હવે આયોજન પૂર્વક લૂંટ ચલાવતી ટોળકીઓનુ જોખમ વધ્યુ છે રોજની અબજો રૂપિયાની હેરફેર માત્ર શાખનાં આધારે થતી હોવાથી હવે ચોકકસ ટોળકીઓ માટે આંગડીયા પેઢીઓ સોફટ ટારગેટ બની ગઇ છે છેલ્લા ત્રણ સપ્તાહમા જ આંગડીયા લુંટની પાંચ ઘટનાઓમા રૂ. 15 કરોડની લુંટ થતા આંગડીયાઓ ફફડી ઉઠયા છે.
લુંટની ઘટના બને ત્યારે પોલીસની અવ્યવહારૂ નીતિ અને ગુનાની ગંભીરતા નહીં દાખવવાની નીતિનાં કારણે નાની-મોટી ઘટનાઓમા તો ફરિયાદો પણ નોંધાતી નથી , ઘણી ઘટનાઓમા મોડે-મોડે ગુનો દાખલ થાય છે પરંતુ લુંટની રકમ કે , મુદામાલ રિકવર કરવામા પોલીસ ઢીલી નીતિ દાખવી ઉલ્ટાનાં આંગડીયાઓને હેરાન કરવામા આવતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.
આંગડીયાઓને બેનંબરી ધંધા વાળા ગણીને સરકારમાથી પણ કોઇ સહકાર મળતો નહીં હોવાની આંગડીયાઓની ફરીયાદ છે આવી સ્થિતિમા યોગ્ય રસ્તો ન નિકળે તો આંગડીયા પેઢીઓને તાળા મારવાનો વખત આવી શકે તેમ છે. અને જો આંગડીયા પેઢીઓ બંધ થાય તો તેની સીધી અસર વ્યાપાર – ઉધોગક્ષેત્રને થઇ શકે છે.
વેપારીઓના કામ આસાન કરી આપનાર આંગડિયાઓ છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ગુજરાતની આંગડિયા પેઢીઓ એક પછી એક લૂંટાઈ રહી છે. દરમિયાનમાં આંગડિયા પેઢી સાથે સંકળાયેલી ઉત્તર ગુજરાત ના બે યુવકો દક્ષિણ ભારત ગયા બાદ ચાર દિવસથી સંપર્ક વિહોણા બનતા પોલીસ હરકતમા આવી છે લૂંટનો સિલસિલો ચાલુ રહેશે તો આંગડિયા પેઢીઓ કામકાજ બંધ કરી દે તેવી ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાત સહિત દેશભરમા ફેલાયેલા આંગડિયા પેઢીમા રોજની અબજો રૂૂપિયાની લેવડ-દેવડ થાય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં હીરા ઝવેરાતની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર થાય છે. ચોર/લૂંટારૂૂઓનો અનેક વખત ભોગ બની ચૂકેલા આંગડિયા સુરક્ષાનો વિશેષ ખ્યાલ રાખે છે. કરોડો રૂૂપિયા અને હીરા ઝવેરાતની હેરફેર માટે આંગડિયા પેઢીઓ જીપીએસ થી સજ્જ વાન રાખે છે. જેથી તેની હિલચાલની પળેપળની ખબર રાખી શકાય. આ ઉપરાંત બંધ બોડીની વાનમાં છુપાયેલા ખાનાઓ હોય છે.
જેમાં રોકડ અને ઝવેરાત છુપાવવામાં આવે છે.છેલ્લાં ત્રણ સપ્તાહમા કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં કુલ 4 આંગડિયા પેઢીઓ લૂંટાઈ છે. સૌ પ્રથમ આર. નટવર એન્ડ કંપનીની વાનમાંથી 4.50 કરોડની મતા લૂંટી લેવાની ઘટના કર્ણાટકમાં ઘટી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર સરહદ પર આવેલા મધ્યપ્રદેશના સેંધવા ખાતે આર. નટવરની બીજી ગાડીને રોકી 4 કરોડ 50 લાખની મતા લૂંટવામાં આવી હતી. મધ્યપ્રદેશમા પી.એમ આંગડિયાની પણ વાન લૂંટાઈ છે. જો કે લૂંટની રકમ જાણવા મળી નથી. જ્યારે વીર આંગડિયાની વાન આંધ્રપ્રદેશ ખાતે લૂંટાઈ છે અને તેની રકમ 4.51 કરોડ જેટલી થાય છે. તાજેતરમા દક્ષિણ ભારત ખાતે દોસ્તી આંગડિયાની વાનને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાનમાં કોઈ કિંમતી મતા મળી આવી ન હતી.
આંગડિયા બજારના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર દક્ષિણ ભારતમાં ગયેલા ઉત્તર ગુજરાતના બે યુવકો ગુમ થયા છે. છએક દિવસ અગાઉ તિરૂૂપતિ બાલાજી મંદિર ના દર્શન કરવાનું કહીને નીકળેલા બંને યુવકોના મોબાઈલ ફોન ત્રણેક દિવસથી બંધ આવી રહ્યાં હતા. જેના પગલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુમ થયેલા યુવકો આંગડિયા પેઢી સાથે સંકળાયેલા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. જેથી ગુજરાત પોલીસે યુવકોની ભાળ મેળવવા તેમજ તેમના ગુમ થવા પાછળનું કારણ જાણવા પ્રયાસ શરૂૂ કરી દીધા છે.
લૂંટની તમામ ઘટનામાં એકજ ગેંગની સંડોવણી
આંગડિયા પેઢીની વાન લૂંટવા માટે આરોપીઓ ગન બતાવીને પેઢીના કર્મચારીઓને વાહન રોકવા ફરજ પાડે છે. ત્યારબાદ વાનમાં સવાર ચાલક તેમજ તેના સાથીને અન્ય વાહનમાં ખસેડી દઈ લૂંટારૂૂ ટોળકીના સાગરિત આંગડિયા વાન પર કબજો જમાવી દે છે. આંગડિયા પેઢીના કર્મચારીઓને ડરાવી ધમકાવી વાનનો દરવાજો તેમજ છુપાયેલા ખાના ખોલાવીને તેમાંથી રોકડ-દાગીના સહિતની મતા લૂંટીને ફરાર થઈ જાય છે. લૂંટારૂૂઓ ફરાર થતા પહેલાં આંગડિયા પેઢીના કર્મચારીઓને રસ્તામાં ઉતારી દઈ તેમને પ્રતિ વ્યક્તિ 2-2 હજાર રૂૂપિયા આપે છે. લૂંટની પદ્ધતિ એક સરખી હોવાથી આ એક જ ગેંગનું કામ હોવાનું સામે આવ્યું છે. લૂંટની બનતી ઉપરાછાપરી ઘટનાઓ પાછળ આંગડિયા પેઢીના જાણભેદુ શખ્સની સંડોવણી નકારી શકાય તેમ નથી.
પોલીસ પુરાવા માગી ફરિયાદ કરવાનું ટાળે છે
કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ ખાતે થયેલી કરોડો રૂૂપિયાના આંગડિયા લૂંટ કેસ મા પોલીસ ફરિયાદ નોંધતી નહીં હોવાની વાતો સામે આવી છે. પોલીસ અધિકારીઓ આંગડિયા પેઢી પાસે રોકડ અને દાગીનાના પુરાવા માગી કાર્યવાહી કરવાનું ટાળી રહ્યાં છે. ગત ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ સ્થિત એક જાણીતી આંગડિયા પેઢીની વાન આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાની સરહદે આવેલા મહારાષ્ટ્રના એક જિલ્લામાં લૂંટાઈ હતી. લૂંટની મતા 2 કરોડ રૂૂપિયાથી વધુની હોવા છતા મહારાષ્ટ્ર પોલીસ એ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી માત્ર 15 લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધી હતી. લૂંટ કેસમાં 9.50 લાખ જપ્ત થયા હોવાનું પોલીસે દર્શાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આરોપીઓ ગણતરીના સમયમાં જામીન મુક્ત થઈ ગયા હતા.
