જો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજુ વાપસી નહીં થાય
અનાયા બાંગરને ઓસ્ટ્રેલિયામાં મહિલા કોમ્યુનિટી ક્રિકેટ રમવાની મંજૂરી મળી છે. લિંગ પરિવર્તન બાદ ક્રિકેટમાં વાપસી માટે આ તેના માટે મોટું પગલું છે. અનાયાએ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે એક સમયે તેને લાગતું હતું કે તે ફરી ક્રિકેટ રમી શકશે નહીં. તેણે બીજી તક આપવા બદલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો આભાર માન્યો અનાયા અગાઉ મુંબઈમાં સરફરાઝ ખાન અને મુશીર ખાન સાથે ક્રિકેટ રમી ચૂકી છે. જોકે, તે સમયે તે પુરુષ ક્રિકેટમાં રમતી હતી. હવે તે ઓસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટર તરીકે નવી શરૂૂઆત કરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિયમો મુજબ ટ્રાન્સજેન્ડર ખેલાડીઓએ મહિલા ક્રિકેટમાં રમવા માટે ચોક્કસ હોર્મોન સંબંધિત માપદંડો પૂર્ણ કરવા પડે છે. આ માટે ટેસ્ટોસ્ટેરોનના સ્તર સહિતના નિયમો લાગુ પડે છે.
જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનાયાની વાપસી હજુ શક્ય નથી. આઇસીસીની વર્તમાન નીતિ મુજબ પુરુષમાંથી મહિલા બનેલી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં રમવાની મંજૂરી નથી. તેથી હાલમાં અનાયા ઓસ્ટ્રેલિયાની કોમ્યુનિટી ક્રિકેટમાં પોતાની પ્રતિભા બતાવશે.
