ક્ધવીનર મીટમાં નરેશ પટેલની જાહેરાત, મુખ્ય સમિતિમાં જશુબેન કોરાટ અને જેનીબેન ઠુંમરનો પણ સમાવેશ, 31 જિલ્લાના નવા ક્ધવીનરો નિમાયા
ગુજરાતના રાજકારણમાં દુરોગામી અસરો પડવાની શકયતા, આનંદીબેન પટેલનો રાજકીય વારસો આગળ ધપાવે તેવા નિર્દેશ
લેઉવા પટેલ સમાજના સૌથી મોટી ધાર્મિક સંસ્થા ખોડલધામના સંગઠનના નવા અધ્યક્ષ તરીકે પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલની વરણી કરવામાં આવી છે. આજે કાગવડ સ્થિત ખોડલધામ ખાતે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે આ જાહેરાત કરી હતી જેને તાળીઓના ગળગળાટથી વધાવી લેવામાં આવી હતી.
ક્ધવીનર મીટને સંબોધતા નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રોટોકોલને તોડીને પણ આજે જાહેરાત કરવી પડે તેમ છે. ત્યારબાદ જ બીજી જાહેરાત થઇ શકે તેમ છે. મને જણાવતા આનંદ થાય છે કે, ખોડલધામના સમગ્ર સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવે છે.
આ તકે સંગઠનની મુખ્ય સમિતિમાં જશુબેન કોરાટ, જેનીબેન ઠુંમર, ગોપાલભાઇ રૂપાપરા, મનોજ સાકરીયા તથા હસમુખ લુણાગરીયાની નિમણુંક કરવામાં આવી હતી. તેમજ 31 જિલ્લાના ક્ધવીનરોની નિમણુંક પણ જાહેર કરવામાં આવી હતી.
ખોડલધામમાં અનારબેન પટેલ છેલ્લા ઘણા સમયથી સક્રિય છે અને મહીલા વિંગના અધ્યક્ષ પણ હતા. પરંતુ હવે તેમને મુખ્ય સંગઠનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ત્યારે ગુજરાતનાં રાજકારણમાં પણ તેની દુરોગામી અસર પડવાની શકયતા જાણકારો દર્શાવી રહ્યા છે. અનારબેન પટેલને ઘણા લોકો ગુજરાતના ભાવી રાજનેતા તરીકે પણ જોઇ રહ્યા છે. તેમના માતુશ્રી આનંદીબેન પટેલનો પાંચ દાયકાથી રાજકારણમાં દબદબો છે. હવે તેનો રાજકીય વારસો પણ અનાર પટેલ આગળ ધપાવે તેવી શકયતા દર્શાવાય છે.
નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે, સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. અત્યારસુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે. ક્ધવીનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ આ નિર્ણયને વધાવ્યો હતો. આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમોમાં અનાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.
ખોડલધામ સંગઠન ક્ધવીનર મીટ 2026ના કાર્યક્રમમાં ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ તોડીને નિર્ણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂૂર અપાવશે. ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે.
ખોડલધામના કુલ 11 ઝોન છે ગુજરાતમાં જે પૈકી અમદાવાદ ઝોનમાં 3 અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે તેમાં પરષોત્તમભાઈ ઢેબરિયા, કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદનો કાર્યભાળ સંભાળશે. આ જ રીતે અમરેલી કે જે લેઉવા પાટીદાર સમાજનું પાટનગર છે, અમરેલી જિલ્લાના ઝોન અધ્યક્ષ તરીકે બાવકુભાઇ ઊંઘાળની નિમણૂક કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ઘણી જગ્યાએ અમે હતાશ થઇ જઈએ, ત્યારે નરેશભાઈ એક જ વાક્ય કહે છે ’માની ઈચ્છાથી થશે, જે થશે માની ઈચ્છાથી થશે’ આપણે એમનામાંથી ઘણું શીખવાનું છે. આ ટ્રસ્ટ એમણે ઉભું કર્યું છે, એમને ઘણા બધા લોકોએ ટેકો આપ્યો છે. આપણે એ બધાને સાથ આપવાનો છે અને એના માટે જ સંગઠિત થવાનું છે. પટેલો પાસે બધું જ છે પણ સમાજ માટે ઘણું કામ બાકી છે. મતભેદ હોવા જોઈએ મનભેદ ન હોવા જોઈએ. નાનામાં નાના પરિવારની ચિંતા કરીને આપણે સાથે કામ કરવાનું છે. આપણા સમાજના વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ.
ગુજરાતના 31 જિલ્લામાં સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું સંગઠન સમિતિના સભ્ય જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, ગુજરાતના 31 જિલ્લામાં સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં લેઉવા પાટીદાર સમાજ વસે છે તે તમામ જગ્યાએ સંગઠન બનાવી બધાને એક તાંતણે બાંધવાનો પ્રયાસ છે. ગ્રામ સમિતિથી અધ્યક્ષ સુધી ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. બધાને જવાબદારી સોંપવામાં આવી છે અને સમાજમાં બધા એક જ સમાન છે. સહ ભક્તિ દ્વારા એક્તાની શક્તિના સૂત્ર સાથે સમાજના દરેક વર્ગને સાથે રાખી ખોડલધામ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે.
પટેલો પાસે બધું જ છે પણ સમાજ માટે ઘણું કામ બાકી છે: અનાર પટેલ
અધ્યક્ષ તરીકે પ્રથમ સંબોધનમાં અનાર પટેલે જણાવ્યું હતું કે, વર્ષો પછી આવડો મોટો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. અમે છેલ્લા 8 મહિનાથી બધા જિલ્લામાં ફરી રહ્યા છીએ અને લાગણીઓ સમજવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જવાબદારી બદલતી રહેશે અને આપણે નવા લોકોને સાથે આગળ લાવીશું. આ સમાજ છે પક્ષ નથી માટે બધાએ આપણા પોતાના સમાજ માટે કામ કરવાનું છે. સમાજ માટે મને હોદ્દો મળ્યો છે, અહીંયા બધું આપવાનું છે કશું લેવા માટે નથી. સમાજને કૈક પાછું આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભક્તિ સાથે એક્તાની શક્તિનું સૂત્ર છે જ્યાં ભક્તિ હોય ત્યાં મન ચોખ્ખું હોવું જોઈએ. નરેશભાઇએ મારા ઉપર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો તે ડગવા નહીં દઉં. મને મળેલુ પદ એ સામાન્ય પદ નથી, એક મોટી જવાબદારી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હરિદ્વાર ખાતે ખોડલધામ ભવનો બનશે
નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, જેનીબેન ઠુંમરને ટ્રસ્ટી તરીકે સામેલ કરવા હું બધાને ભલામણ કરી રહ્યો છું. સંગઠનને આગળ વધારવાની યુવાનોની જવાબદારી છે સંગઠન માટે યુવાનો આગળ આવે તેવી હું અપીલ કરું છું. જુદી જુદી સમિતિ બનાવી આગળ વધતા રહો તેવી હું સમાજને સંગઠનને અપીલ કરું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જગ્યા લેવામાં આવી છે, જ્યાં સોમનાથ જેવું જ ખોડલધામ ટ્રસ્ટનું ભવન બનાવવામાં આવશે. ખોડલધામ ખાતે પણ રહેવાની વ્યવસ્થા કરવા માટે ભવન બનાવવામાં આવશે. એક સપ્તાહ પહેલા નિર્ણય લેવાયો છે કે હરિદ્વારમાં પણ ખોડલધામ ભવન બનાવવામાં આવશે.
