રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અનંત અંબાણી એ રવિવારે વહેલી સવારે તિરુમલામાં ભગવાન શ્રી વેંકટેશ્વરના પવિત્ર ધામમાં દર્શન કરી પ્રાર્થના કરી અને પોતાની અતૂટ શ્રધ્ધા અને ભક્તિનો પુન:પ્રત્યય આપ્યો.
શ્રી અનંત અંબાણી રાત્રે આશરે 1 વાગ્યે તિરુમલા પહોંચ્યા હતા અને તેમણે ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી પ્રત્યે સમર્પણ અને ભક્તિના પ્રતિકરૂૂપે પોતાની કેશ સમર્પિત કરવાની સદીઓ જૂની પરંપરાનું પાલન કર્યું. દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ આ પવિત્ર પરંપરાનું અનુસરણ કરે છે. તેમની આ મુલાકાત એ વાતનો સંદેશ આપે છે કે દુનિયા ભલે કેટલી પણ બદલાય, પરંતુ શ્રધ્ધા અને પોતાના મૂળ સંસ્કારો હંમેશા અડગ રહે છે.
આશરે સવારે 3:30 વાગ્યે શ્રી અનંત અંબાણીએ પવિત્ર સુપ્રભાત સેવામાં ભાગ લીધો, જે ભગવાનના પ્રાત:કાલીન જાગરણનો વિધિપૂર્વકનો ધાર્મિક કાર્યક્રમ છે. દર્શન બાદ મંદિરના વૈદિક પંડિતોએ તેમને વૈદિક આશીર્વાદ આપ્યા, જ્યારે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD)ના એક્ઝિક્યુટિવ ઓફિસરે તેમને પવિત્ર સ્મૃતિચિહ્ન અને પ્રસાદ અર્પણ કર્યો.
