આસામ અને નાગાલેન્ડમાં આવેલા વિનાશક પૂરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી 53 વર્ષીય માદા હાથી ‘જોયમોતી’ને ઝડપી અને વિશેષ સારવાર માટે વનતારા, જામનગર ખાતે એરલિફ્ટ કરવામાં આવી છે. જુલાઈ મહિનામાં નાગાલેન્ડ અને આસામમાં આવેલા વિનાશક પૂરમાં તણાઈ ગયેલી 53 વર્ષીય માદા હાથી ’જોયમોતી’ને વનતારા ખાતે વિશેષ સારવાર અર્થે એરલિફ્ટ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં તેને કપાળ, કાન, જાંઘ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
વધુમાં, જમણી આંખમાં અંધાપો આવવો અને ભૂતકાળમાં લોગિંગ દરમિયાન થયેલા ફ્રેક્ચરને કારણે લંગડાવાની સમસ્યાથી તે પીડાતી હતી. જમીન માર્ગના લાંબા પરિવહનના શારીરિક શ્રમ અને સમયને બચાવવા માટે ભારતમાં પ્રથમ વખત કોઈ હાથણીને ગંભીર સ્થિતિમાં એરલિફ્ટ કરીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવાનું વિશેષ આયોજન કરાયું છે.
આ એરલિફ્ટનો મુખ્ય હેતુ જોયમોતીને તાત્કાલિક અને વિશેષ પશુચિકિત્સા સંભાળ પૂરી પાડવાનો છે. વનતારા પહોંચ્યા બાદ, નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તેનું વ્યાપક તબીબી પરીક્ષણ હાથ ધરવામાં આવશે અને તેની ઈજાઓ, આંખની સ્થિતિ તથા પોષણયુક્ત સંભાળ માટે ખાસ સારવાર યોજના અમલી બનશે. આ એક કાયમી સ્થાનાંતરણ નથી, પરંતુ તેને નવું જીવન આપવાના હેતુથી કરવામાં આવેલું તાત્કાલિક મેડિકલ ટ્રાન્સફર છે. વનતારાની પ્રાથમિકતા તેને સંપૂર્ણ સ્વસ્થ બનાવી એક સન્માનજનક અને સુરક્ષિત જીવન જીવવાની શ્રેષ્ઠ તક આપવાની છે.
જોયમોતીનો કિસ્સો પૂર અને માનવ-વન્યજીવ સંઘર્ષ ધરાવતા વિસ્તારોની નજીક જ વિશિષ્ટ પશુચિકિત્સા સુવિધાઓ હોવાથી વનતારાએ આસામમાં ત્રણ વન્યજીવ પશુચિકિત્સા સંભાળ કેન્દ્રો સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં હાથીઓ માટેનું સમર્પિત કેન્દ્ર પણ સામેલ હશે. આ કેન્દ્રોનું સંચાલન આસામ વન વિભાગ દ્વારા સ્વતંત્ર રીતે કરાશે. તેનાથી સ્થાનિક સ્તરે જ ઈમરજન્સી સમયસર સારવાર મળશે અને ભવિષ્યમાં પ્રાણીઓને લાંબા અંતર સુધી લઈ જવાની જરૂૂરિયાત ન્યૂનતમ થઈ જશે.
