શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઉમિયા ચોક નજીક 4 મહિના પૂર્વે કારની ઠોકરે ઘવાયેલા બાઇક ચાલક વૃધ્ધનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
વિગત મુજબ 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોકપાસે માધવ પાર્કમાં રહેતા વીઠ્ઠલભાઇ નાનજીભાઇ રૈયાણી (ઉ.વ.72) નામના વૃધ્ધ ગત તા.3/3/26ના સાંજે પોતાનુ બાઇક લઇ જતા હતા. ત્યારે ઉમિયા ચોક પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં વૃધ્ધને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ સિવિલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેનુ સારવાર દરમિયાન આજે મોત નીપજ્યુ હતું. આ અંગે માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ બનાવના દિવસે ઓમ શાંતિ કેન્દ્ર બ્રહ્મા કુમારીમાં સેવા આપી ઘરે આવતા હતા. ત્યારે રસ્તામાં જ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે.
