સાધુ સંતોની રવાડીમાં દિગમ્બર સાધુઓના દિલધડક કરતબો જોઈ યાત્રિકો થયા અચંબિત
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત નીકળેલી સાધુ-સંતોની ભવ્ય રવાડી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ, પરંપરા અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. રવાડીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છલકાયું હતું.ષ જૂનાગઢના શિવરાત્રીના મેળા જેવો માહોલ સોમનાથમાં અનુભવાયો હતો.
આ રવાડીમાં દિગમ્બર સાધુઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ કરતબોએ લોકોમાં વિશેષ કૌતુક અને આશ્ચર્ય જગાવ્યું હતું. સાધુઓએ પોતાની અદભૂત શારીરિક ક્ષમતાઓ અને સાધનાનો પરિચય આપતાં પરંપરાગત રીતે કરતબો રજૂ કર્યા હતા. દિગમ્બર સાધુઓએ તલવારબાજી સહિત વિવિધ અંગકસરતના દાવો રજૂ કરી પોતાની શૌર્યકલા અને આત્મશક્તિનું દર્શન કરાવ્યું હતું. તેમના આત્મ વિશ્વાસભર્યા અને શિસ્તબદ્ધ પ્રદર્શનથી દર્શકોમાં તાળીઓ અને જયઘોષ ગુંજી ઊઠ્યા હતા. રવાડી દરમિયાન સર્જાયેલો માહોલ શિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં યોજાતા પરંપરાગત મેળાની રવાડી જેવો લાગતો હતો. ધાર્મિક ઉત્સવ સાથે લોકસંસ્કૃતિની ઝલક સોમનાથમાં સ્પષ્ટ રીતે અનુભવાઈ રહી હતી. સાધુ-સંતોની રવાડીમાં દિગમ્બર સાધુઓના કરતબોએ સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્યતા અને વિશિષ્ટતા વધારી હતી.
રવાડીમાં ઢોલ તાશાએ જમાવ્યું ભારે આકર્ષણ
રવાડી દરમિયાન ઢોલ-તાશાના કલાકારોએ પોતાની મનમોહક અને જોરદાર રજૂઆતથી વિશેષ આકર્ષણ ઉભું કર્યું હતું. અંદાજે 50 જેટલા કુશળ કલાકારોએ ઢોલ અને તાસાના તાલ-લય સાથે પરંપરાગત સંગીત પ્રસ્તુત કરી વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. ગગનભેદી નાદ સાથે યાત્રિકો પણ નાચી ઊઠથા હતા. વાદન એટલું જોશ પૂર્ણ હતું કે ત્રણ જેટલા ઢોલ તૂટી ગયા હતા. ઢોલ-તાશાના ગુંજતા નાદ સાથે રવાડી આગળ વધતી રહી, જેના કારણે માર્ગના બંને બાજુ ઊભેલા દર્શકોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી હતી. કલાકારોની સંકલિત રજૂઆતએ સમગ્ર કાર્યક્રમને લોકોત્સવના સ્વરૂૂપમાં રૂૂપાંતરિત કર્યો હતો.
