ધારાસભ્યના કાર્યાલયે સંકલનની બેઠક પહેલા બઘડાટી
રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીનો ગરમાવો હવે ઉમેદવારો અને નેતાઓના મગજમાં ચડયો હોય તેમ આજે રાજકોટ-70ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના કાર્યાલયે ભાજપના વોર્ડ નં.7ના બળુકા ઉમેદવાર નેહલ શુકલ અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા વચ્ચે સાંસદ રૂપાલા, ધારાસભ્ય ટીલાળા અને શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે સહીતના આગેવાનો અને ધારાસભા-70માં આવતા વોર્ડના ઉમેદવારોની હાજરીમાં સટાસટી અને ગાળાગાળી થતા ભારે દેકારો મચી ગયો હતો. વાત વધુ વણસે તે પહેલા બન્ને બળીયા નેતાઓને ‘વિખુટા’ પાડી સંકલનની મિટિંગ સંકેલી લીધી હતી.
મળતી માહિતી મુજબ રાજકોટ-70 ધારાસભા મત વિસ્તારમાં આવતા કોર્પોરેશનના વિવિધ વોર્ડના ઉમેદવારોના સંકલનની બેઠક હોય, વિરેન્દ્રસિંહ ઝાલાએ વોર્ડ નં.7ના ઉમેદવાર નેહલ શુકલને ફોન કરી પોતાની ‘સ્ટાઇલ’માં કાર્યાલયે પહોંચવા સુચના આપી હતી.દરમિયાન થોડીવારમાં ડો.નેહલ શુકલ કાર્યાલયે પહોંચ્યા હતા અને અન્ય ઉમેદવારો ઉપરાંત ધારાસભ્ય અને સાંસદની હાજરીમાં એ…ય બહાર આવ તેમ કહી વિરેન્દ્રસિંહને બહાર બોલાવી મોબાઇલ ઉપર તોછડાઇથી વાત કરવા બાબતે ખુલાસો પુછતા બન્ને વચ્ચે ઉકારા-તુકારા સાથે સટાસટી અને ગાળાગાળી થતા સાંસદ, ધારાસભ્ય તથા શહેર પ્રમુખે દોડી આવી બન્નેને વિખુટા પાડયા હતા અને વાત વણસે નહીં તે માટે ધારાસભ્યના કાર્યાલયે યોજાયેલ ઉમેદવારોની સંકલનની બેઠક મોકુફ રાખી દેવામાં આવી હતી.આ ઘટનાથી શહેર ભાજપમાં અંદરખાને આંતરીક ‘આગ’ હજુ પણ ભભુકતી હોવાનું બહાર આવ્યું છે. ઘટના નજરે જોનાર આગેવાનો અને ઉમેદવારો પણ ચોંકી ઉઠયા હતા.
