108ની ટીમે માસુમનો જીવ બચાવી સારવાર માટે ખસેડયો
મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે બાવળની ઝાડીમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુને 108 ટીમે સમયસર પહોંચી બચાવી લીધું હતું બાળકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયું છે 108 ટીમ સમયસર પહોંચી જતા બાળકનો જીવ બચી ગયો છે અને હાલ સારવાર આપવામાં આવી રહી છે.
મોરબીના નવી ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાં નવજાત શિશુને કોઈ ત્યજી ગયું હોવાની માહિતી મળતા 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને નવી ટીંબડી ગામના પાટિયાથી 100 મીટર અંદર બાવળની ઝાડીમાં ત્યજી દેવાયેલ બાળક મળી આવ્યું હતું ત્યજી દેવાયેલ બાળક 5 કે 6 દિવસનો છોકરો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે બાળકને બાવળની ઝાડીમાં ત્યજી દીધું હોવાથી શરીરે કાંટા લાગવાની ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.
સદનસીબે બાળકને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી અને બાળકની તબિયત સારી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે જોકે નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનાથી માનવતા ફરી એક વખત શર્મશાર થઇ છે બાળકના પગમાં શાહીનું નિશાન જોવા મળ્યું છે અને બાળકનો જન્મ હોસ્પીટલમાં થયાના અનુમાનને આધારે પોલીસે તપાસ શરુ કરી છે.
