અગાઉ ટ્રમ્પની જીત અને ઈરાન સાથે યુધ્ધની સચોટ આગાહી કરનાર ભૂ-રાજકીય વિશ્ર્લેષક અને પ્રોફેસર જિયાંગ શુએકિને ગેમ થીયરીને આધારે અમેરિકા હારવાનો દાવો કર્યો
કેનેડિયન-જન્મા ઇતિહાસકાર અને ભૂ-રાજકીય વિશ્ર્લેષક પ્રોફેસર જિયાંગ શુએકિને ફરી એક વખત વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે અમેરિકા ઈરાન સામેના ચાલુ યુદ્ધમાં હારી શકે છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છતાં ઈરાનમાં જમીની સૈનિકો (ગ્રાઉન્ડ ટ્રૂપ્સ) મોકલશે. આ આગાહી ઘણા અખબારોમાં પ્રકાશિત થઈ છે, જ્યાં જિયાંગે ગેમ થિયરીના આધારે વિગતવાર વિશ્ર્લેષણ કર્યું છે.
પ્રોફેસર જિયાંગે 2024માં, અમેરિકી ચૂંટણી પહેલાં જ ત્રણ મોટી આગાહીઓ કરી હતી: પ્રથમ, ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે; બીજી, ટ્રમ્પ 2025માં ઈરાન સાથે યુદ્ધ શરૂૂ કરશે (ઇઝરાયલને આપેલા ચૂંટણી વચનને કારણે); ત્રીજી, અમેરિકા આ યુદ્ધમાં હારી જશે, જે વૈશ્વિક વ્યવસ્થાને બદલી નાખશે. આમાંથી પ્રથમ બે આગાહીઓ સાચી પડી છે ટ્રમ્પની જીત અને યુદ્ધની શરૂૂઆત (જૂન 2025માં ઓપરેશન મિડનાઈટ હેમર અને હવે ચાલુ ઓપરેશન એપિક ફ્યુરી). આ સફળતાને કારણે તેમની ત્રીજી આગાહીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
જિયાંગ અનુસાર, અમેરિકી સેના કોલ્ડ વોર માટે બનાવાઈ છે ’શોક એન્ડ ઓ’ રણનીતિ, શક્તિ પ્રદર્શન અને ઝડપી વિજય માટે. પરંતુ આજના યુદ્ધમાં તે ખર્ચાળ, ભારે અને ધીમી છે. પેન્ટાગોનમાં ભ્રષ્ટાચાર છે, જ્યાં હથિયારોના કોન્ટ્રાક્ટમાં વ્યક્તિગત લાભ લેવાય છે.
બીજી તરફ, ઈરાને 20 વર્ષથી તૈયારી કરી છે. આ યુદ્ધને તેઓ ’ગ્રેટ સેટન’ (અમેરિકા) સામે ધાર્મિક યુદ્ધ માને છે. જૂનમાં 12 દિવસના યુદ્ધમાં તેમણે અમેરિકા-ઇઝરાયલની હુમલાની ક્ષમતા જાણી અને છેલ્લા આઠ મહિનામાં વધુ તૈયારી કરી છે. જિયાંગ કહે છે, આ અટકાવાનું યુદ્ધ છે અને ઈરાનને અમેરિકા કરતાં વધુ ફાયદા છે.
ટ્રમ્પના ગ્રાઉન્ડ ટ્રૂપ્સ મોકલવાના નિર્ણય પાછળ ત્રણ કારણો છે: ઇઝરાયલ અને સાઉદી અરેબિયાનું દબાણ, ટ્રમ્પના વ્યક્તિગત હિત અને રાજકીય લાભ. જિયાંગ ટ્રમ્પને ’માફિયા બોસ’ કહે છે, જે રાષ્ટ્ર કરતાં પોતાના લાભને પ્રાધાન્ય આપે છે. જાન્યુઆરી 2026માં એક પોડકાસ્ટમાં તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ પોતાના હિત માટે કામ કરશે, અમેરિકાના નહીં. યુદ્ધ વધુ ખરાબ થાય તો ટ્રમ્પ કોંગ્રેસ પાસેથી ઇમર્જન્સી વોર પાવર્સ મેળવી શકે છે, જે મિડટર્મ ચૂંટણીઓ પર અસર કરી અને ’રેલી અરાઉન્ડ ધ ફ્લેગ’ અસરથી ત્રીજી ટર્મ મેળવવાની શક્યતા વધારે.
આ યુદ્ધની અસર અર્થતંત્ર પર પણ પડશે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ અને ગલ્ફ દેશો પર હુમલા કરી શકે છે, જ્યાંથી અમેરિકી અર્થતંત્રને તેલ અને અઈં બબલ મળે છે. જિયાંગ કહે છે કે આ બબલ ફાટવાથી અમેરિકી અર્થતંત્ર પોન્ઝી સ્કીમ જેવું તૂટી પડશે. પ્રોફેસર જિયાંગની પહેલી આગાહીઓની સફળતા વચ્ચે વિશ્વ આ યુદ્ધના પરિણામ અને તેની વૈશ્વિક અસરોની રાહ જોઈ રહ્યું છે.
પાણીની અછત બનશે સૌથી મોટી નબળાઈ
ચીની પ્રોફેસરના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા, કતાર અને બહરીન જેવા અખાતી દેશો પાસે પીવાલાયક કુદરતી પાણીના સ્ત્રોત અત્યંત મર્યાદિત છે. આ દેશો તેમની 60% પાણીની જરૂૂરિયાત માટે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના ’ડિસેલિનેશન પ્લાન્ટ’ પર નિર્ભર છે. જો આ પ્લાન્ટ્સ કામ કરવાનું બંધ કરી દે, તો ગણતરીના કલાકોમાં જ આ દેશોમાં પીવાના પાણી માટે હાહાકાર મચી શકે છે. પ્રોફેસરનું વિશ્ર્લેષણ અત્યંત ડરામણું છે. ઈરાન પાસે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી છે જે રડારથી બચીને ચોકસાઈપૂર્વક નિશાન લગાવી શકે છે. આ ડિસેલિનેશન પ્લાન્ટ્સ દરિયા કિનારે આવેલા હોય છે અને તેમની સુરક્ષા કરવી પડકારજનક છે. જો ઈરાન માત્ર એક ’સ્યુસાઈડ ડ્રોન’ વડે કોઈ મુખ્ય વોટર પ્લાન્ટને નિશાન બનાવે, તો લાખો લોકો પાણી વિના તરફડતા થઈ જશે. આ મશીનો એટલી જટિલ હોય છે કે તેને ઠીક કરવામાં મહિનાઓનો સમય લાગે છે. મિડલ ઈસ્ટમાં તૈનાત હજારો અમેરિકન સૈનિકો પણ પાણી માટે આ સ્થાનિક સ્ત્રોતો પર જ નિર્ભર છે. પ્રોફેસરના મતે, જ્યારે જનતા તરસથી વ્યાકુળ હશે અને ચારેબાજુ અરાજકતા ફેલાશે, ત્યારે અમેરિકી સેનાનું મેનેજમેન્ટ સંપૂર્ણપણે નિષ્ફળ જઈ શકે છે. સેનાએ પોતાની સુરક્ષા કરવાને બદલે લોકોને પાણી પૂરું પાડવાની ચિંતા કરવી પડશે. આ સ્થિતિ કોઈપણ શક્તિશાળી દેશને હરાવવા માટે પૂરતી છે.
