અમેરિકાએ ભારતને ડરાવવા માટે ભારતની નિકાસ પર 50 ટકા ટેરિફ લાદી તો દીધો પણ ભારત તેનાથી ડર્યું નથી તેથી ટ્રમ્પ આણિ મંડળી ધૂંઆપૂંઆ હતી જ ત્યાં ભારત અને ચીન આર્થિક સહકાર વધારવા અંદરખાને મસલતો કરી રહ્યાં હોવાની વાત બહાર આવતાં તેમનો ધૂંધવાટ વધ્યો છે. આ ધૂંધવાટમાં ટ્રમ્પ અને તેના સાથીઓ લવરીએ ચડી ગયા છે. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ માટે ભારત પર દોષનો ટોપલો ઢોળીને આક્ષેપ કર્યો છે કે, ભારત દુનિયામાં સૌથી આક્રમક દેશો સાથે હાથ મિલાવીને દુનિયાની શાંતિને જોખમમાં મૂકી રહ્યું છે.
વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નાવારોએ જ્ઞાન પીરસ્યું છે કે, રશિયા સાથે ક્રૂડની ખરીદીના મુદ્દે ભારત એકદમ તોછડાઈથી અને અહંકારથી વર્તી રહ્યું છે કેમ કે ભારત એવું કહે છે કે, અમારે જેની પાસેથી ક્રૂડ ખરીદવું હોય તેની પાસેથી ખરીદવા માટે અમે મુક્ત છીએ. નાવારોએ ભારત-ચીનની વધતી નિકટતા સામે વાંધો લઈને લોકશાહીની દુહાઈ આપીને ડહાપણ ડહોળ્યું છે કે, અક્સાઇ ચીન સહિતના ભારતના પ્રદેશો પર આક્રમણ કરનારા ચીન સાથે હાથ મિલાવી રહ્યું છે. નાવારોના કહેવા પ્રમાણે, ભારતની હરકતોના કારણે અમેરિકામાં દરેક વ્યક્તિને ફટકો પડી રહ્યો છે. ગ્રાહકો, ધંધા-વેપાર, કામદારો બધાં જ નુકસાન ભોગવી રહ્યાં છે. ભારતના ઊંચા ટેરિફથી અમેરિકામાં નોકરીઓ જઈ રહી છે, કારખાનાં બંધ થઈ રહ્યાં છે અને લોકોની આવક પણ બંધ થઈ રહી છે.
નાવારોએ એવું પણ કહ્યું છે કે, રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને ભારત રશિયાને આર્થિક રીતે ટકાવી રહ્યું છે તેથી રશિયા-યુક્રેન માટે ખરેખર તો ભારત જવાબદાર છે. નાવારોએ રશિયા-યુક્રેનના યુદ્ધને પુતિનના જંગના બદલે મોદીઝ વોર એટલે કે મોદીનો જંગ ગણાવ્યો છે. ટ્રમ્પ પણ પહેલાં આ જ્ઞાન પિરસી ચૂક્યા છે તેથી આ વાતમાં નવું કશું નથી પણ નાવારોએ જે ભાષા વાપરી છે એ અત્યંત ગંદી અને અપમાનજનક છે. નાવારોએ એકદમ ગંદા શબ્દ વાપરીને કહ્યું છે કે, ભારત ચીનનું ’હમબિસ્તર’ બની રહ્યું છે, ચીન સાથે સૂઈ રહ્યું છે.
ચીન સામે કશું ના ચાલ્યું એટલે ટ્રમ્પ ભારતને દબાવવા નીકળ્યા છે પણ ભારત પણ ચીનના રસ્તે જઈ રહ્યું છે. ભારતનું વલણ એકદમ યોગ્ય છે કેમ કે ભારતને પોતાનાં હિતો સાચવવાનો પૂરો અધિકાર છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ખરીદે છે કેમ કે ભારતને રશિયન ક્રૂડ સસ્તું પડે છે. અમેરિકામાં ત્રેવડ હોય તો રશિયા કરતાં સસ્તું ક્રૂડ આપીને બતાવે, ભારત અબઘડી રશિયાને બાજુ પર મૂકીને અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદવા માંડશે. ટ્રમ્પ કે તેના ટટ્ટુઓ એ વાત કરતા નથી ને બીજો બકવાસ કર્યા કરે છે. અમેરિકા પાસે તોતિંગ ક્રૂડ ભંડારો છે જ. તેનો ઉપયોગ ટ્રમ્પ ભારતને રશિયાથી દૂર કરવા માટે કરી શકે પણ અમેરિકાને દરેક ચીજનો વેપલો કરવામાં જ રસ છે.
અમેરિકા દુનિયાનો સૌથી દંભી અને સ્વાર્થી દેશ છે. : અમેરિકાને પોતાનાં હિતો સાચવવા સિવાય કશામાં રસ નથી. અત્યાર સુધી અમેરિકા ભારતમાં ધાર્યું કરાવીને કમાણી કરતું : તેથી ચાલ્યા કરતું પણ હવે ભારતે સામે શિંગડાં ભેરવ્યાં એટલે . તેને ભારતના અવગુણો દેખાવા માંડયા છે.
