કોડીનારના વડનગર ખાતે આવેલી અદાણી અંબુજા સિમેન્ટ કંપની દ્વારા કોડીનાર તાલુકાના અનેક ગામોમાં સાથણીની નવી શરતની જમીન પરવાનગી વગર ખરીદ કરીને બીન ખેતીમાં ફેરવ્યા સિવાય ખનન કામ કરીને કરોડો રૂૂપિયાની ખનીજ ચોરી કર્યા અંગે વડનગર ગામના પાલાભાઈ જોટવા એ જિલ્લા કલેકટરને સ્વાગત ઓનલાઇન માં ફરિયાદ કરતા ચકચાર જાગી છે પાલાભાઈ જોટવા ની આ ફરિયાદ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ કરાતા તપાસ દરમિયાન વડનગર ગામના તલાટી દ્વારા સ્થળ તપાસ કરી સ્થળનું પંચનામું કરતા સવાલ વાળી જમીનમાં સિમેન્ટ કંપની દ્વારા 40 ફૂટ જેટલું ઊંડું ખનન થયા અંગેનો પંચનામા રિપોર્ટ માં જણાવાયું છે આ અંગેની વિગત એવી છે કે કોડીનારના વડનગર ગામના સર્વે નંબર 224 પૈકી 1ની હેક્ટર 1- 71- 24 વાળી સાથણીની નવી શરતની જમીન અંબુજા સિમેન્ટ કંપની દ્વારા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 ની કલમ 63 હેઠળ પરવાનગી લીધા સિવાય ખેતીની જમીન ખરીદ કરી હતી અને આ જમીનમાંથી ખનીજ કાઢવા માટે ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ 1889ની કલમ 65 મુજબ બિનખેતીમાં ફેરવ્યા સિવાય જમીનમાંથી ગેર ધોરણે ખનીજનું ખનન કામ કરેલ હોય ઉપરોક્ત બંને કાયદાની જોગવાઈના બદલ અંબુજા કંપની સામે કાર્યવાહી કરવામાં માંગણી છે.
મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇનમાં પાલાભાઈ જોટવાઈએ કરેલી ફરિયાદ અંગે ગીર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા આ અંગે તપાસના આદેશ કરતા ચકચાર મચી ગઈ છે કોડીનારના વડનગર ગામના અનેક સરકારી અને માલિકીના સર્વે નંબરમાંથી યેનકેન પ્રકારે ખનીજ કાઢી લઈને કરોડો રૂૂપિયાની ખનીજ ચોરી અંગે વારંવાર તંત્રમાં ફરિયાદ કરવા છતાં ખાણ ખનીજ તંત્ર અરજદારને ગેરમાર્ગે દોરતા જવાબો આપીને સાચી માહિતી આપવાનું ટાળી રહ્યા છે ત્યારે ખાણ ખનીજ ના ભ્રષ્ટ અધિકારીઓની પણ આમાં સંડોવણી હોવાની શક્યતા નકારી શકાતી નથી ત્યારે પાલાભાઈ જોટવા એ કરેલી ફરિયાદ અંગે કલેકટરના આદેશ બાદ વડનગર ગામના તલાટીએ સ્થળ ઉપર કરેલા પંચનામાના રિપોર્ટના આધારે તંત્ર દ્વારા અંબુજા સિમેન્ટ સામેશું પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું
