રાજ્યમાં હાલ ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને લેટેસ્ટ આગાહી કરી છે. આગામી 72 કલાકમાં 50 ટકા ગુજરાતમાં વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય ભાવનગર, અમરેલીના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ વરસાદ ઓછો રહેશે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીના ભાગમાં સારા વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. પંચમહાલ, વડોદરાના ભાગમાં ચાર ઈંચથી વધુ વરસાદની શક્યતા છે. 72 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 9 જુલાઈ બાદ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ નીકળવાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરાપ ક્યારે નીકળે તે કહેવું મુશ્કેલ છે. 14 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ સક્રિય થશે. સિસ્ટમથી ગુજરાતમાં 16થી 20 જુલાઈ દરમિયાન વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરુ થશે. જુલાઈના અંત અને ઓગસ્ટ મહિનાના પ્રારંભે અણધાર્યા વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
