સોય-દોરાથી કાપડની સાથે અનેક મહિલાઓના જીવનમાં થાય છે આત્મનિર્ભરતાનું ભરતકામ

બાળપણમાં શીખેલી દેશી ભરતની કળાને નિવૃત્તિ બાદ આવકનું માધ્યમ બનાવ્યું જયશ્રીબેન ચાવડાએ દરેક મહિલાએ આર્થિક રીતે પગભર બનવું ખૂબ જરૂૂરી છે. ભગવાને દરેક વ્યક્તિમાં કોઈને…

બાળપણમાં શીખેલી દેશી ભરતની કળાને નિવૃત્તિ બાદ આવકનું માધ્યમ બનાવ્યું જયશ્રીબેન ચાવડાએ

દરેક મહિલાએ આર્થિક રીતે પગભર બનવું ખૂબ જરૂૂરી છે. ભગવાને દરેક વ્યક્તિમાં કોઈને કોઈ આવડત મૂકી છે. પોતાની આવડતનો ઉપયોગ કરીને પરિવારને મદદરૂૂપ જરૂૂર બની શકાય. બાળપણમાં શીખેલું દેશી ભરતકામ નિવૃત્તિ બાદ કામમાં આવ્યું અને આજે એ જ કળાના માધ્યમથી અનેક જરૂૂરિયાતમંદ બહેનો આર્થિક રીતે સ્વાવલંબી બની રહી છે. અનેક બહેનોને ઘરેબેઠાં કામ આપી તેમને આર્થિક મદદની સાથે આત્મવિશ્વાસ પણ આપી રહ્યાં છે અમદાવાદના જયશ્રીબેન ચાવડા.જે ઉંમરે લોકો નિવૃત્તિનું જીવન ગાળતા હોય, તે ઉંમરે તેઓ પતિ સાથે વિવિધ એક્ઝિબિશનમાં ભાગ લઈને ગુજરાતની કળાને લોકો સુધી પહોંચાડે છે અને બહેનોનો આત્મવિશ્વાસ વધારે છે.

*શિક્ષણ અને કલા સાથે ઉછેર*
ઉપલેટાની ધરતી પર જન્મેલા જયશ્રીબેનનો ઉછેર સંયુક્ત પરિવારમાં થયો. ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો. બાળપણમાં ટીવી-મોબાઇલ જેવી સગવડો નહોતી એટલે માતા પાસેથી ભરતકામ, ગૂંથણ, મોતીકામ જેવી અનેક કળાઓ શીખવામાં સમય પસાર કરતા. પરંતુ ત્યારે ક્યાં ખબર હતી કે બાળપણમાં શીખેલી આ જ કળા એક દિવસ અનેક મહિલાઓના જીવનમાં રોજગારની નવી આશા જગાવશે.
યોગ્ય ઉંમરે અમદાવાદના જીતેન્દ્રભાઈ ચાવડા સાથે લગ્ન થયા. લગ્ન બાદ ત્રણ બાળકોની જવાબદારી આવી એટલે ઘર-પરિવારની આસપાસ જ તેમની દુનિયા ફરવા લાગી. પોતાના માટે વિચારવાનો સમય જ નહોતો. સમય વીતતો ગયો, બાળકો મોટા થયા અને પગભર થયા. બંને દીકરીઓના લગ્ન થયાં અને પતિ જીતેન્દ્રભાઈ પણ નિવૃત્ત થયા. જીવનમાં પહેલીવાર પોતાને માટે થોડો સમય મળ્યો.

*નિવૃત્તિ પછી ફરી યાદ આવ્યું બાળપણમાં શીખેલ ભરતકામ*
એ સમયે બાળપણમાં માતા પાસેથી શીખેલા સોય-દોરા યાદ આવ્યા. જયશ્રીબેને શરૂૂઆતમાં પોતે જ ભરતકામ કરીને તૈયાર કરેલી વસ્તુઓ વેચવાનું શરૂૂ કર્યું. પરંતુ ધીમે ધીમે તેમના મનમાં એક વિચાર આવ્યો‘આવું ભરતકામ તો ઘણી બહેનોને આવડતું હશે તો હું એકલી જ કેમ કમાઉં? મારા જેવી કળા ધરાવતી કેટલીય બહેનોને પણ કામની જરૂૂર હશે.’ અને બસ, આ વિચાર સાથે શરૂૂ થયેલી સફર આજે લગભગ 70 બહેનો સુધી પહોંચી છે.

*કલા થી બન્યા આત્મનિર્ભર*
રાજકોટ, સુરેન્દ્રનગર, કલોલ, ઉપલેટા, સુરત સહિત અનેક શહેરો અને ગામોની બહેનો આજે ઘરેબેઠાં ભરતકામ કરે છે અને આત્મનિર્ભર બની છે. અનેક એવી મહિલાઓ છે જેમનું ભણતર ઓછું છે, જેઓ નાના ગામડાંમાં રહે છે અથવા ઘર-પરિવારની જવાબદારીઓ વચ્ચે બહાર જઈને નોકરી કરી શકતી નથી.
આવી બહેનો સુધી જયશ્રીબેન કપડું, છાપકામ, સોય, દોરા સહિતની સામગ્રી પહોંચાડે છે. બહેનો ઘરે રહીને ડ્રેસ પર કલાત્મક ભરતકામ કરે છે અને તૈયાર થયેલું કામ કુરિયર મારફતે પરત મોકલે છે.

*હાથની કળા બજાર સુધી પહોંચી*
આ બહેનોના હાથથી તૈયાર થતા ડ્રેસ, ડ્રેસ મટિરિયલ, દુપટ્ટા, બ્લાઉઝ વગેરે લઈને જયશ્રીબેન પતિ સાથે વિવિધ સરકારી એક્ઝિબિશન અને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં યોજાતા પ્રદર્શનોમાં જઈને તેનું વેચાણ કરે છે.
દિલ્હી ખાતે યોજાતા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં પણ તેઓ ભાગ લે છે, જ્યાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત અન્ય દેશોના પેવેલિયન હોય છે. ત્યાં હોલસેલ ગ્રાહકો પણ મળે છે અને તૈયાર ઉત્પાદનોની ખરીદી કરે છે.

*કામ સાથે આવે છે અનેક મુશ્કેલીઓ*
જયશ્રીબેન જણાવે છે કે દરેક બહેનના હાથનું કામ એકસરખું પરફેક્ટ હોતું નથી. ક્યારેક પીસ બગડે છે, તો ક્યારેક સમજાવવામાં મુશ્કેલી પડે છે. ઘણી બહેનો પાસે એન્ડ્રોઇડ ફોન પણ નથી. છતાં તેમના માટે એ વાત વધુ મહત્વની છે કે એ બહેનને કામની જરૂૂર છે અને તે પોતાના કામથી કમાણી કરે.
ભરતકામમાં સાદુ ભરત, આમળો ટાંકો, રબારી, સાંકડી ,મિરર વર્ક,કચ્છી ભરત સહિત 30 થી વધુ ટાંકા છે. જેને જે કામ આવડે તેમાં તેને કામ આપવામાં આવે છે. વારંવાર એ જ કામ કરતાં કરતાં બહેનો તેમાં માસ્ટરી મેળવી લે છે અને કામ વધુ સારું તથા ઝડપથી થવા લાગે છે.

*100 થી વધુ બહેનોને શીખવી છે આ કલા*
જયશ્રીબેનની આ સફર માત્ર પોતાના વ્યવસાયને આગળ વધારવાની નથી, પરંતુ અન્ય મહિલાઓને આ કળા શીખવવાની પણ છે. અલવરમાં એક ખાનગી કાર્યક્રમમાં મહિલાઓને સ્વરોજગાર માટે મદદરૂૂપ થવા તેમને બે દિવસની તાલીમ આપવા પણ આમંત્રણ મળ્યું હતું.આ ઉપરાંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન તેમજ રાજસ્થાનની મોહનદાસ સુખડિયા ફેશન કોલેજ સહિત કોલેજોમાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક તાલીમ આપી છે.અત્યાર સુધીમાં 100 થી વધુ બહેનોને આ કલા શીખવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી પ્રશંસાપત્ર મળેલ છે.

*સફરમાં પતિ અને પરિવારનો મજબૂત સાથ*
આજે તેમની બંને દીકરીઓ સાસરે છે અને દીકરો મેડિકલનો અભ્યાસ કરે છે. પરિવારની દૃષ્ટિએ પણ ભગવાનની કૃપાથી કોઈ ખાસ મુશ્કેલી નથી. છતાં જયશ્રીબેન હજુ કામ કરે છે પોતાના માટે નહીં, પરંતુ એવી બહેનો માટે જેમના હાથમાં આવકનું કોઈ સાધન નથી.
તેમના માટે આ કામ હવે માત્ર ભરતકામ નથી રહ્યું. આ સમગ્ર પ્રવૃત્તિમાં પતિ જીતેન્દ્રભાઈનો સંપૂર્ણ સહયોગ છે. દરેક જગ્યાએ પતિ-પત્ની બંને સાથે જ જાય છે અને એકબીજાના પૂરક બની અન્યની જિંદગી ખીલવવાનો આનંદ લે છે.

*દરેક ટાંકામાં જોડાય છે નવી આશા*
જયશ્રીબેનના માનવા મુજબ ભરતકામનો દરેક ટાંકો બહેનોના જીવનમાં આત્મવિશ્વાસની દોરને મજબૂત બનાવે છે. દરેક દોરો કોઈ પરિવારની આશા સાથે જોડાયેલો છે અને દરેક તૈયાર વસ્તુ પાછળ મહિલાની મહેનત અને સંઘર્ષની કહાની હોય છે. તેથી જ તેમને એવું લાગે છે કે જ્યારે આપણે કોઈના ઉપયોગી બનીએ છીએ ત્યારે સાચા અર્થમાં જીવન જીવીએ છીએ. ભગવાનને બસ એટલી જ પ્રાર્થના છે કે વધુમાં વધુ બહેનો પોતાના પગ પર ઊભી થાય અને આર્થિક રીતે પગભર થવામાં હું મદદરૂૂપ બની શકું. એક સમયની બાળપણની કળા આજે લગભગ 70 બહેનો માટે રોજગાર બની છે.

*આત્મનિર્ભરતાનું ભરતકામ*
સોય-દોરાથી કપડાં પર ભરાતું ભરતકામ તો અનેક લોકો કરે છે, પરંતુ કોઈના જીવનમાં આત્મનિર્ભરતાનું ભરતકામ કરવું એ ખરેખર એક અલગ જ કળા છે.આ કળામાં માહેર જયશ્રીબેન ચાવડાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *