રાજકોટના ગુંદાવાડીમાં આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલમાં ગત વર્ષ ઓક્ટોબર મહિનામાં સગર્ભા મહિલાની હોસ્પિટલના પટાંગણમાં જ ડિલવરી થઈ જવાના કેસમાં ત્રણ નર્સની બેદરકારી દાખવી તાકિદે અન્ય હોસ્પિટલમાં બદલી કરી નાખી અને ખાતાકિય તપાસના આદેશ કરવામાં આવ્યા હતાં. જેની તપાસ પૂર્ણ થતાં ત્રણેય નર્સને દોષ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઓક્ટોબર 2024માં પદ્મકુંવરબા હોસ્પિટલમાં સવારે સગર્ભામહિલાની હોસ્પિટલના ચોગાનમાં જ ડિલીવરી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને આ પ્રકરણમાં હોસ્પિટલના લેબરરૂમના ત્રણ નર્સ કંચનબેન એમ. ખિમસુરિયા, નિધિબેન ચૌહાણ અને પારૂલબેન વાઘની બેદરકારીના આક્ષેપ થતાં હેડ નર્સ કંચનબેન ખિમસુરિયાની જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટ, નિધિબેન ચૌહાણની ભાવનગર ખાતેની સરટી હોસ્પિટલ અને કોન્ટ્રાક્ટ પર રહેલા પારૂલબેન વાઘની દ્વારકા ખાતે સરકારી હોસ્પિટલમાં તાકિદે બદલી કરી નાખવામાં આવી હતી.
પદ્મકુંવરબા હોસ્પિટલના ડિલીવરી પ્રકરણમાં હેડ નર્સ કંચનબેન એમ ખિમસુરિયા, ફિક્સ પેના નિધિબેન ચૌહાણ અને કોન્ટ્રક્ટ બેઝના પારૂલબેન વાઘ સામે ખાતાકિય તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં. તેમાં તપાસ કમિટિ દ્વારા ત્રણેય નર્સ, હાજર સ્ટાફ અને સગર્ભા મહિલા અને તેના પતિના નિવેદન લેવામાં આવ્યા હતાં. ઉપરાંત વાયરલ વીડિયોની ખરાઈ કરવામાં આવેલ પરિસ્થિતિના વર્ણનને ધ્યાનામં રાખી તેમાં ત્રણેય નર્સની બેદરકારી સામે નહીં આવતાખાતાકિય તપાસના અંતે દોષ મુક્ત જાહેર કરવામાં આવ્યા હતાં.
દોષ મુક્ત જાહેર કરતા હુકમમાં જણાવાયું છે કે ત્રણેય નર્સ દ્વારા આપવામાં આવેલ બચાવનામું, ખાતાકિય તપાસના અધિકારીઓના તપાસ અહેવાલને ધ્યાનમાં લેતા ત્રણેય નર્સને દોષમુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય ચે કે સ્ટાફની નિષ્ઠાપ્રવેકની કામગીરીથી અગાઉ પદ્મકુંવરબા હોસ્પિટલ અને સ્ટાફનું સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઘટનાનો વીડિયો વાયરલ કરનાર અને એક સગર્ભા સ્ત્રીની ડિલીવરીનો વીડિયો ઉતારનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી નહીં થતાં પદ્મકુંવરબા હોસ્પિટલના સ્ટાફમાં કચવાટ ફેલાયો છે.
