IPLની તમામ મેચો રદ, વિદેશી ખેલાડીઓને પરત મોકલવા તૈયારી

    ધર્મશાળામાં ચાલુ મેચ અટકાવી સ્ટેડિયમ ખાલી કરાવાયું, ખેલાડીઓને પરત લાવવા ખાસ ટ્રેન દોડાવાઈ   ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝન અધવચ્ચે આદેશ ન…

 

 

ધર્મશાળામાં ચાલુ મેચ અટકાવી સ્ટેડિયમ ખાલી કરાવાયું, ખેલાડીઓને પરત લાવવા ખાસ ટ્રેન દોડાવાઈ

 

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝન અધવચ્ચે આદેશ ન મળે ત્યાં સુધી રદ કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આ મોટા સમાચાર સામે આવ્યા છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની બેઠક ચાલી રહી છે. બીસીસીઆઈની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને સુરક્ષિત ઘરે મોકલવાની છે.ભારત-પાકિસ્તાન તણાવને કારણે, 8 મે (બુધવાર) ના રોજ પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી.

ઉપરાંત, ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું. ખેલાડીઓને ધર્મશાળાથી દિલ્હી લાવવા માટે એક ખાસ ટ્રેન ચલાવવામાં આવી છે. બીસીસીઆઈએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પ્રાથમિકતાના ધોરણે લાવવા માટે વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું, બધું ધ્યાનમાં રાખીને, અમે આ મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે. હાલ પરિસ્થિતિ સારી નથી, તેથી જ અમે મેચ રદ કરી છે. પડોશી દેશ પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખેલાડીઓ, દર્શકો અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે રાષ્ટ્રના હિતમાં જે કંઈ હશે તે કરીશું. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તે મુજબ નિર્ણય લઈશું.

સુરક્ષાના કારણોસર અને પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે સાવચેતીના પગલા તરીકે, ધર્મશાલાનું એકમાત્ર એરપોર્ટ અને પડોશી કાંગડા અને ચંદીગઢમાં આવેલા એરપોર્ટ હાલમાં કામગીરી માટે બંધ છે. આ કારણે એર ટ્રેવલ શક્ય ન હોવાથી ખેલાડીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવી પડી છે.

BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નસ્ત્રઅમે ઉના (અથવા પઠાણકોટ) થી એક ખાસ ટ્રેનનું આયોજન કરી રહ્યા છીએ જે ધર્મશાલાથી દૂર નથી જેથી બધાને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી શકાય. હાલમાં મેચ રદ કરવામાં આવી છે અને સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું છે. અમે આવતીકાલે પરિસ્થિતિના આધારે ટુર્નામેન્ટના ભવિષ્ય અંગે નિર્ણય લઈશું. હાલમાં, ખેલાડીઓની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

IPL ચેરમેન ખુદ ધર્મશાળાના મેદાનમાં ઉતર્યા
સુરક્ષાના કારણોસર પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (PBKS vs DC) વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી સતત ડ્રોન હુમલાઓને કારણે ધર્મશાલામાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું જેના કારણે મેચ રદ કરવી પડી હતી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં IPL ચેરમેન અરુણ ધુમલ પોતે દર્શકોને બહાર જવાની અપીલ કરી રહ્યા છે. IPL ચેરમેન અરુણ ધુમલ મોટાભાગે મેચ દરમિયાન ફક્ત મેચ જોતા જોવા મળે છે. પરંતુ આજની મેચમાં તેણે પોતે મેદાન પર આવીને લોકોને બહાર જવાની અપીલ કરવી પડી. બ્લેકઆઉટ પછી તે મેદાનમાં આવ્યો અને લોકોને બહાર જવાનું કહેવા લાગ્યો. મેચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા કારણોસર મેચ રદ કરવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *