બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગીતા આહીરનો કથિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વાયરલ વીડિયોમાં પીએસઆઇગીતા આહીર એવું કહેતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દારૂૂ ક્યારેય બંધ ન થાય, તેને કંટ્રોલ કરી શકાય. કોઈપણ સરકાર આવે, પરંતુ દારૂૂ ક્યારેય બંધ ન થાય. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ વિભાગમાં પણ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં જલાલપુર ગામની પ્રાથમિક શાળામાં સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગામના લોકોએ ગામમાં દારૂૂના વેચાણ અંગે ઢસા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગીતા આહીર સમક્ષ રજૂઆત કરી હતી. આ જ સમયનો હોવાનો દાવો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રામજનોની રજૂઆત અને પીએસઆઇના કથિત નિવેદનને લઈને સમગ્ર મામલે વિવાદ ઊભો થયો છે.
વાયરલ વીડિયો અને ગ્રામજનોની રજૂઆતના સંદર્ભમાં તપાસ શરૂૂ કરવામાં આવી છે. આ અંગે તપાસ અધિકારી અને DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઢસા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગીતા આહીરને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
બીજી તરફ, પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જલાલપુર ગામના પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગરો સામે અત્યાર સુધીમાં 76થી વધુ વખત રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ત્રણ શખ્સોને ભૂતકાળમાં તડીપાર કરવામાં આવ્યા હોવાનું અને તેમની સામે 27થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ તરફથી જણાવાયું છે.
