બારામતી ઍરપોર્ટ પાસે 28 જાન્યુઆરીએ થયેલા પ્લેન-ક્રેશમાં અજિત પવાર ઉપરાંત અન્ય 4 જણનાં મોત થયાં હતાં એ કેસમાં એ અકસ્માત નહીં પણ તેમની હત્યા કરવાનું કાવતરું હોઈ શકે એવી શંકા દર્શાવીને અજિત પવારના ભત્રીજા અને નેશનલિસ્ટ કોન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય રોહિત પવાર પોલીસમાં ફરિયાદ કરવા બહુ જ પ્રયાસ કરી રહ્યા હતા. આખરે ગઈ કાલે તેમણે કર્ણાટકના બેન્ગલોરમાં આવેલા શેષાદ્રિપુરમ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં ઝીરો FIR નોંધવામાં આવ્યો છે.
આ પહેલાં રોહિત પવારે 25 ફેબ્રુઆરીએ મરીન ડ્રાઇવ પોલીસમાં અને 26 ફેબ્રુઆરીએ બારામતી પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે તેમની ફરિયાદ લીધી નહોતી. આ કેસની તપાસ પુણેનો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ પ્રમાણે કરી રહી છે. રોહિત પવારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે એ ફક્ત દુર્ઘટના નહોતી, પણ નાયબ મુખ્ય પ્રધાનની હત્યા કરવાનું મોટું કાવતરું હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે પોતાના વતન બારામતી જતી વખતે અજિત પવારનું વિમાની દુર્ઘટનામાં મૃત્યુ થયું ત્યારથી જ આ અંગે તરેહ તરેહની અટકળો દ્વારા આ ઘટનાને એક કાવતરૂં હોવાની શંકા સ્વરૂપે પણ જોવામાં આવે છે. ખાનગી વિમાની કંપનીએ પણ ટેકનીકલ ક્ષતિ હોવાની ચોખવટ કર્યા પછી પણ હજુ શંકાની સોય એમને એમ છે.
