જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા તા. 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત કવાયત ‘સહાયતા સેતુ-2026’નું આજે સફળતાપૂર્વક સમાપન થયું હતું. હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કવાયતમાં ભારતની વિવિધ રાષ્ટ્રીય એજન્સીઓ ઉપરાંત મિત્ર વિદેશી દેશોએ ભાગ લીધો હતો. કવાયતના અંતિમ દિવસે મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શન યોજી આપત્તિની પરિસ્થિતિમાં જમીન, હવાઈ અને દરિયાઈ માર્ગે હાથ ધરાતી રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ચીફ ઓફ એર સ્ટાફ એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાઉધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ સહિતના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, મહાનુભાવો, મીડિયા પ્રતિનિધિઓ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કવાયતના સમાપન પ્રસંગે યોજાયેલા મલ્ટી-એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશન (MACD)માં આપત્તિના સમયે વિવિધ સરકારી અને સંરક્ષણ એજન્સીઓ વચ્ચેના સંકલન દ્વારા રાહત અને બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરવામાં આવે છે તેનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાગ લેનારા મિત્ર વિદેશી દેશોના પ્રતિનિધિઓ સાથે સંવાદ યોજાયો હતો.
‘સહાયતા સેતુ-2026’ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેમિનાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રના નિષ્ણાતોના અનુભવો અને જ્ઞાનનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. જ્યારે ટેબલ ટોપ એક્સરસાઇઝ (TTX)માં કાલ્પનિક આપત્તિની પરિસ્થિતિ ઊભી કરી વિવિધ દેશો અને એજન્સીઓ દ્વારા લેવામાં આવનારા નિર્ણયો તથા રાહત કામગીરીના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત સ્ટેટિક ડિસ્પ્લેમાં આધુનિક સાધનો અને તેમની કાર્યક્ષમતાઓ અંગે ટેકનિકલ જાણકારી આપવામાં આવી હતી. જ્યારે અંતિમ દિવસે યોજાયેલા ક્ષમતા પ્રદર્શનમાં જમીન, હવાઈ અને દરિયાઈ ક્ષેત્રની પસંદગીની ઓપરેશનલ ક્ષમતાઓ રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કવાયતનો મુખ્ય હેતુ વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન, પરસ્પર સમજણ અને સંયુક્ત કામગીરીની ક્ષમતામાં વધારો કરવાનો હતો.
આ પ્રસંગે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. સેનાની જરૂૂરિયાત મુજબનાં વિમાનો, જહાજો, યુદ્ધજહાજો અને આધુનિક સંરક્ષણ ઉપકરણોનું ઉત્પાદન દેશમાં જ થાય તેવા નિર્ધાર સાથે કામગીરી થઈ રહી છે.
