ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ નાણા મંત્રીએ જાહેર કર્યું છે.
બજેટમાં આવાસ યોજના માટે 4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગરમાં 100 કરોડની દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે.ઝાલોદ, ગરબાડા સહિત 5 જગ્યાએ નવી GIDC બનશે.
SC-ST અને અન્ય અનામત જાતિના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત
આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ₹2160માં ₹340નો વધારો કરી ₹2500 કરવાની જાહેરાત.
નવી 926 પીએમ શ્રી શાળાઓ શરુ કરાશે
અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ 926 પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ
ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક ₹2 લાખ 50 હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા ₹2 લાખ 50 હજારથી વધારીને ₹6 લાખ કરવાની જાહેરાત કરાઈ છે.
– શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોમાં વધારો કરાશે, નવા 121 કેન્દ્ર શરૂ થશે
– 154 ધન્વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ₹260 કરોડની જોગવાઇ
VB-G RAM G માટે 1500 કરોડની ફાળવણી
– VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં કામના દિવસો 100થી વધારી 125 કરવામાં આવેલ છે. જેના માટે કુલ ₹1500 કરોડની ફાળવણી.
શિષ્યવૃત્તિ માટે 5967 કરોડની ફાળવણી
– ગુજરાતની વસ્તીમાં 36% કરતા વધુ યુવા છે. તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને ₹5967 કરોડની શિષ્યવૃત્તિ માટેની ફાળવણી.
પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) માટે 3472 કરોડની ફાળવણી
‘પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)’ યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કરાયો છે. જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ યોજના માટે ₹3472 કરોડની જોગવાઇ.
હાયર એજ્યુકેશન લોન માટે 869 કરોડની ફાળવણી
નાણામંત્રીએ કહ્યું કે સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં 1 લાખ 35 હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ ₹869 કરોડની જોગવાઇ કરું છું.
આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે 360 કરોડની જોગવાઈ
રાજ્ય સરકાર દ્વારા 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી બે હજાર આંગણવાડીઓના નિર્માણ માટે ₹360 કરોડની જોગવાઇ સૂચવું છું.
GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ માટે ખાસ જોગવાઈ
GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઇઓ કરવામાં આવેલ છે.
‘ઘર સૌના માટે’ : આવાસ યોજના માટે 4272 કરોડની જોગવાઈ
એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે ₹4272 કરોડની જોગવાઇ સૂચવું છું.
દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2%
રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3 લાખ 1 હજાર છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60%થી વધારે છે. જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
ગુજરાત પોલિસી ડ્રાઈવન સ્ટેટ તરીકેની નીતિઓ જાહેર
પોલિસી ડ્રાઈવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેકટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી, એકશન પ્લાન ફોર ઇમ્પલિમેન્ટેશન ઓફ AI, ઇન્ટીગ્રેડેટ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે.
નાણામંત્રી કનુભાઈ આ વખતે બજેટમાં લગભગ 11 ટકાનો વધારી શકે છે. જેથી આ વખતનું બજેટ લગભગ ચાર લાખ કરોડની રકમને આંબી શકે છે. જ્યારે બીજી બાજુ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 9 મહાનગરપાલિકાઓ અને 1 નવા જિલ્લા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને પણ બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.
