રાષ્ટ્રીય સ્તરની એક સમીક્ષા મુજબ, જિલ્લા અદાલતોમાં પડતર કેસોની સંખ્યાના મામલે અમદાવાદ સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે. અમદાવાદ જિલ્લા અદાલતમાં અંદાજે 3.6 લાખ જેટલા કેસો પડતર છે. આ ઉપરાંત, સુરત જિલ્લા અદાલત આ યાદીમાં 80મા ક્રમે છે, જ્યાં અંદાજે 1.3 લાખ કેસોનો ભરાવો છે. ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા દેશભરમાંથી આવા 100 ન્યાયિક જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે, જેને ’હોટસ્પોટ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાતના આ બે જિલ્લાઓનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના ટોચના પાંચ જિલ્લાઓમાં ઉત્તર પ્રદેશના ત્રણ, પશ્ચિમ બંગાળનો એક અને ગુજરાતના એક (અમદાવાદ) જિલ્લાનો સમાવેશ થાય છે. ન્યાયતંત્રના ડેશબોર્ડના ડેટા દર્શાવે છે કે અમદાવાદ જિલ્લાના કુલ પડતર કેસોમાંથી લગભગ 5% કેસો 10 વર્ષથી વધુ જૂના છે, જ્યારે 10% કેસો પાંચથી દસ વર્ષથી પેન્ડિંગ છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે કાયદા મંત્રાલયના નિર્દેશ મુજબ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) હવે અમદાવાદ અને સુરતની જિલ્લા અદાલતો સાથે મળીને કામ કરશે.
આ રાષ્ટ્રવ્યાપી સંશોધન આધારિત મિશનનો હેતુ અદાલતોમાં કેસોના ભરાવાના મુખ્ય કારણો શોધવાનો અને વિલંબ માટેના પરિબળોનું વિશ્ર્લેષણ કરવાનો છે.આ મહિનાની શરૂૂઆતમાં કેન્દ્રીય કાયદા મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરની અદાલતોમાં 5.8 કરોડથી વધુ કેસો પડતર છે, જેમાંથી મોટાભાગના જિલ્લા અને તાબાની અદાલતોમાં છે. દેશના જે 100 હોટસ્પોટ જિલ્લાઓ નક્કી કરાયા છે, તે જિલ્લા અદાલતોના કુલ પડતર કેસોના અડધાથી વધુ હિસ્સો ધરાવે છે. કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ સહિતના મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ 16 રાજ્યોની 19 નેશનલ લો યુનિવર્સિટીના કુલપતિઓ સાથે તાજેતરમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં કેસોના ઝડપી નિકાલ માટે વૈકલ્પિક વિવાદ નિવારણ, પ્લી બાર્ગેનિંગ, મધ્યસ્થી અને સમરી ટ્રાયલ જેવી વિવિધ પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ૠગકઞના ડિરેક્ટર પ્રોફેસર એસ. શાંતાકુમારે આ પ્રોજેક્ટની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો અને સિનિયર વિદ્યાર્થીઓની ટીમ અમદાવાદ અને સુરત કોર્ટના અધિકારીઓ સાથે મળીને કામ કરશે. પ્રો. શાંતાકુમારના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં ફોજદારી કેસોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ઘણીવાર પક્ષકારોની ગેરહાજરી, દસ્તાવેજોનો અભાવ, યોગ્ય રજૂઆત ન થવી અથવા ટેકનિકલ સમસ્યાઓને કારણે કેસો લંબાય છે. આ પ્રોજેક્ટ દ્વારા આવા ચોક્કસ કારણોની ઓળખ કરી પેન્ડન્સી ઘટાડવા માટેની યોગ્ય વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે.
