જામનગરમાં ડિમોલિશન પીડિત વૃધ્ધ દંપતીની વહારે આહિર મહિલા મંડળ

જામનગર શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પખવાડિયા પૂર્વે હાથ ધરાયેલી ડિમોલેશન કાર્યવાહીના પડઘા હજુ પણ શહેરમાં સંભળાઈ રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન વૃદ્ધ દંપતી…

જામનગર શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પખવાડિયા પૂર્વે હાથ ધરાયેલી ડિમોલેશન કાર્યવાહીના પડઘા હજુ પણ શહેરમાં સંભળાઈ રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન વૃદ્ધ દંપતી નંદુમાં અને નારણબાપાનો આશરો તોડી પાડવામાં આવતાં સમગ્ર મામલે આહિર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

ડિમોલેશન દરમિયાન વૃદ્ધ દંપતી સાથે ટીંગાટોળી અને દુર્વ્યવહાર થયો હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા. ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા પણ યોગ્ય સંવેદનશીલતા ન દાખવાઈ હોવાનો આક્ષેપ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પડઘા શહેરભરમાં પડ્યા હતા અને અનેક સામાજિક સંગઠનો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે આજે આહિર સમાજ મહિલા મંડળની ટીમ નંદુમાં અને નારણબાપાના સમર્થનમાં સ્થળ પર પહોંચી હતી. મહિલા મંડળની બહેનો દ્વારા વૃદ્ધ દંપતીને આશ્વાસન આપવામાં આવ્યું હતું તેમજ તેમની સાથે સમાજ ખભેખભા મિલાવી ઉભો છે તેવો વિશ્વાસ અપાયો હતો.

મહિલા મંડળના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોઈ બિલ્ડરના ઈશારે વૃદ્ધ દંપતીનો આસરો છીનવી લેવાયો છે. સમાજ દ્વારા આ સમગ્ર મામલે ન્યાય માટે લડત ચાલુ રાખવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી. સ્થળ પર સમાજના લોકો દ્વારા જય યાદવ અને જય માધવના નારા પણ ગૂંજી ઉઠ્યા હતા. મહિલા મંડળની પ્રમુખ વીંજીબેન ભાદરકાએ જણાવ્યું હતું કે વૃદ્ધ દંપતીને ન્યાય મળે અને ફરીથી તેમને આશરો મળી રહે તે માટે સમાજ દ્વારા દરેક સ્તરે સહયોગ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *