ગુજરાતમાં ચોમાસાની અનિશ્ચિત સ્થિતિ વચ્ચે વરસાદની આગાહીઓને લઈને નવો વિવાદ ઊભો થયો છે. વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ વરસાદનો વરતારો કરનારાઓ સામે કડક વલણ અપનાવતા ખોટી આગાહીઓ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. બીજી તરફ, આ નિવેદન બાદ જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહીઓ બંધ કરવાની જાહેરાત કરતાં સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જયંત પંડ્યાએ આક્ષેપ કર્યો છે કે વરસાદ અંગે વૈજ્ઞાનિક આધાર વગર કરવામાં આવતી આગાહીઓના કારણે ખેડૂતોને સીધું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તેઓ વર્ષોથી ખેડૂતોના હિતમાં નિ:સ્વાર્થ રીતે આગાહી કરતા આવ્યા છે અને જો તેમની આગાહીને કારણે વિવાદ સર્જાતો હોય તો તેઓ હવે આગાહી કરવાનું બંધ કરશે.
વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ જણાવ્યું કે રાજ્યના આશરે 60 તાલુકાઓમાં હજુ પણ પૂરતો વરસાદ થયો નથી, જ્યારે વિવિધ આગાહીકારોએ અગાઉ ભારે વરસાદની આગાહી કરી હતી. તેમના જણાવ્યા મુજબ આ આગાહીઓ વાસ્તવિક પરિસ્થિતિ સાથે મેળ ખાતી નથી. તેમણે દાવો કર્યો કે કેટલાક લોકો પાસે હવામાનની આગાહી કરવા માટે કોઈ વૈજ્ઞાનિક સાધન કે પ્રમાણભૂત પદ્ધતિ નથી. આગાહી ખોટી પડે ત્યારે તેઓ તારીખો બદલીને નવી આગાહી જાહેર કરે છે, જેના કારણે સામાન્ય લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ગેરસમજ ફેલાય છે.
જયંત પંડ્યાના નિવેદન બાદ જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે તેઓ હવે હવામાન અંગેની આગાહીઓ કરવાનું બંધ કરશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે તેઓ કોઈ સરકારી કે ખાનગી સંસ્થા સાથે જોડાયેલા નથી અને વર્ષોથી માત્ર ખેડૂતો અને સામાન્ય લોકોના હિતમાં પોતાના અનુભવના આધારે હવામાન અંગે માહિતી આપતા આવ્યા છે.
તેમણે કહ્યું કે જો તેમની આગાહીને કારણે વિવાદ ઊભો થતો હોય અથવા કોઈને મુશ્કેલી સર્જાતી હોય તો તેઓ આવી આગાહીઓ કરવાનું યોગ્ય માનતા નથી. તેથી તેઓ હવામાન અંગે જાહેર આગાહીઓ બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે.
અંબાલાલ પટેલે ખેડૂતોની હાલની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં સરકાર સમક્ષ યોગ્ય સહાય અને રાહતના પગલાં લેવા પણ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે વરસાદની અનિશ્ચિત પરિસ્થિતિને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે અને તેમને સમયસર સહાય મળવી જરૂૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા મળવી જોઈએ અને ખેતીને અસર કરતી પરિસ્થિતિમાં સરકાર દ્વારા જરૂૂરી રાહતની જાહેરાત થવી જોઈએ.
