બે IASની ફરજિયાત નિવૃત્તિ બાદ મહેસૂલ પંચના અધ્યક્ષ પણ ઘરભેગા

  રાજ્ય સરકારે તાજેતરમાં બે આઇએએસ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દીધા બાદ ગઇકાલે ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ (જીઆરટી-ગુજરાત મહેસુલ પંચ)ના અધ્યક્ષ અતુલ રાવલને પણ અચાનક હોદા…

 

રાજ્ય સરકારે તાજેતરમાં બે આઇએએસ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દીધા બાદ ગઇકાલે ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ (જીઆરટી-ગુજરાત મહેસુલ પંચ)ના અધ્યક્ષ અતુલ રાવલને પણ અચાનક હોદા પરથી દૂર કરી તેની સેવા સમાપ્ત કરી દેવામાં આવતા અધિકારી વર્ગમાં ભારે ચર્ચા જાગી છે.

સામાન્ય રીતે ટ્રીબ્યુનલના વડાનો કાર્યકાળ નિયત મુદત મુજબ ચાલતો હોય છે, પરંતુ અતુલ રાવલના કાર્યકાળનું હજુ એક વર્ષ બાકી હોવા છતાં રાજ્ય સરકારે તેમની સેવાઓ સમય પહેલાં જ અચાનક સમાપ્ત કરી દેતાં સમગ્ર સચિવાલય અને વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે. સરકાર દ્વારા ટ્રીબ્યુનલના મેમ્બર કાલાને હાલ પ્રેસિડેન્ટ પદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલની કામગીરી, અપીલોના નિકાલ અને વિવિધ જમીન સંબંધિત વિવાદાસ્પદ આદેશોને લઈને છેલ્લા કેટલાક સમયથી સરકારના ઉચ્ચ સ્તરે ગંભીર ફરિયાદો પહોંચી રહી હતી. ખાસ કરીને મહેસૂલી વિવાદો, ખેડૂત ખાતાની નોંધો તેમજ કરોડો રૂૂપિયાની કિંમતી જમીનોના કેસોમાં લેવાયેલા નિર્ણયો સામે પક્ષકારો અને વકીલો દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. આ બાબતો સરકારની વિજિલન્સ અને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ના ધ્યાને આવતાં આખરે શિસ્તભંગ અને કડક વહીવટી સંદેશ આપવા માટે સરકારે આ મોટું પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.

અતુલ રાવલની ટ્રીબ્યુનલના પ્રેસિડેન્ટ તરીકેની મુદત હજુ પૂર્ણ થવાને આશરે એક વર્ષ જેટલો સમય બાકી હતો. નિયત સમયમર્યાદા પહેલાં જ આવી મહત્વની અર્ધન્યાયિક (Quasi-Judicial) સંસ્થાના વડાને હોદ્દા પરથી દૂર કરવામાં આવતાં સનદી અધિકારીઓ અને કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

અતુલ રાવલની સેવાઓ સમાપ્ત કરવાના સત્તાવાર આદેશ સાથે જ સરકારે વહીવટી અને ન્યાયિક કામગીરી ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી દીધી છે. ટ્રીબ્યુનલના વર્તમાન સભ્ય (મેમ્બર) કાલાને રેવન્યુ ટ્રીબ્યુનલના પ્રેસિડેન્ટ તરીકેનો વધારાનો હવાલો સુપરત કરવામાં આવ્યો છે. જ્યાં સુધી કાયમી નિમણૂક અંગે કોઈ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી તેઓ ટ્રીબ્યુનલની અધ્યક્ષતા સંભાળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *